નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં એક મોટી દુર્ઘટના બની છે. ગાઝિયાબાદના એક સ્મશાનમાં છત પડી જતાં 16 લોકોનાં મોત થયા છે. હજુ પણ ઘણા બધા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. લોકોને કાટમાળ નીચેથી બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. એનડીઆરએફની ટીમ પણ લોકોને કાટમાળ નીચેથી બહાર કાઢી રહી છે.


જાણકારી મુજબ મુરાદનગરમાં રહેતા ફ્રૂટના વેપારી રાજારામનું આજે સવારે મોત થયું હતું. રાજારામના પરિવારજનો અને સંબંધીઓ મુરાદનગર સ્મસાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર માટે આવ્યા હતા. અંતિમ સંસ્કાર બાદ જ્યારે વરસાદ શરૂ થયો તો લોકો છત નીચે ઉભા હતા. આ દરમિયાન છત ધરાશાયી થઈ હતી.

ગાઝિયાબાદના મુરાદનગર વિસ્તારમાં આવેલા સ્મશાન ઘાટની છત પડતાં અનેક લોકો દબાયા હતા. ઘટનાની જાણ થતાં ગાઝિયાબાદ પોલીસ અને રેસ્કયૂ ઓપરેશન ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના આશ્રિતોને બે-બે લાખ રૂપિયાની આર્થિક સહાયના આદેશ આપ્યા છે. સાથે જ વિભાગીય કમિશનર મેરઠ અને એડીજી મેરઠ ઝોન પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે.