India-Bangladesh Government Crisis: બાંગ્લાદેશમાં બળવા પછીની સ્થિતિ પર ભારત સરકાર ચાંપતી નજર રાખી રહી છે. કેન્દ્રએ સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષી નેતાઓને આ માહિતી આપી હતી. સરકારે કહ્યું કે હાલમાં બાંગ્લાદેશમાં 12 થી 13 હજાર ભારતીયો છે. જો કે, દેશમાં સ્થિતિ એટલી વિકટ નથી કે આપણા નાગરિકોને ત્યાંથી બહાર કાઢવા પડે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે બેઠકમાં કહ્યું કે, અમે બાંગ્લાદેશની દરેક સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છીએ. જે પણ સ્થિતિ હશે, વિપક્ષને તેની જાણ કરવામાં આવશે. લગભગ 8000 ભારતીય વિદ્યાર્થીઓ ત્યાંથી પરત ફર્યા છે. બાકીના લોકોને અત્યારે બહાર કાઢવાની જરૂર નથી કેન્દ્ર સરકારે કહ્યું કે શેખ હસીના પર હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાથી વિપક્ષ સંતુષ્ટ છે.
સર્વદળીય બેઠકમાં આ નેતાઓ થયા સામેલ
સર્વપક્ષીય બેઠકમાં વિદેશ મંત્રી જયશંકર પ્રસાદે સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી, સપા સાંસદ રામ ગોપાલ યાદવ સહિત તમામ વિપક્ષી નેતાઓએ હાજરી આપી હતી.
જયશંકર પ્રસાદે ટ્વીટ કરીને કહ્યું, સર્વપક્ષીય બેઠકમાં બાંગ્લાદેશની સ્થિતિ અંગે માહિતી આપી. જયશંકરે આ મામલે વિપક્ષ તરફથી મળેલા સમર્થનની પ્રશંસા કરી છે.
બેઠકમાં રાહુલ ગાંધીએ પુછ્યા આ સવાલો
બેઠકમાં રાહુલ ગાંધીએ પૂછ્યું કે શું બાંગ્લાદેશની પરિસ્થિતિમાં વિદેશી હાથ છે ? શું ભારત પાસે આ પરિસ્થિતિ અંગે કોઈ લાંબાગાળાની યોજના છે ? બાંગ્લાદેશની નવી સરકારને લઈને ભારતનો એક્શન પ્લાન શું હશે ? બેઠક દરમિયાન અન્ય પક્ષોએ પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. જો કે વિપક્ષે કહ્યું કે, અમે આ મુદ્દે સરકારની સાથે છીએ.