મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરે તૈનાત સેન્ટ્ર રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના કમાન્ડોનું સર્વિસ બંદૂકમાંથી અચાનક ભૂલથી ગોળી છૂટી જતાં મોત નિપજ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, બુધવારે સાંજે અંબાણીના નિવાસ સ્થાન એન્ટિલિયા બહાર CRPFના કોન્સ્ટેબલ દેવન રામભાઇ બકોતરાની ઓટોમેટિક રાઈફલમાંથી ભૂલથી ગોળીઓ છૂટી ગઈ હતી. જેના કારણે છાતીમાં બે ગોળી વાગ્યા બાદ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

CRPFના એક અધિકારીએ કહ્યું હતું કે, તપાસમાં ખબર પડી કે દેવન અથડાઈને પડી ગયો હતો જેનાથી તેની ઓટોમેટિક રાઈફલમાંથી ગોળીઓ છૂટી ગઈ હતી. બે ગોળી તેની છાતીમાં વાગી હતી. તેના સાથી સુરક્ષાકર્મીએ તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો જ્યાં બુધવારે મોડી રાત્રે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ગુરૂવારે ઓટોપ્સી બાદ દેવનનો મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. દેવન ગુજરાતના જૂનાગઢના રહેવાસી હતા અને 2014માં CRPFમાં સામેલ થયા હતા.

મુંબઈ પોલીસના ડેપ્યુટી કમિશ્નર રાજીવ જૈને કહ્યું હતું કે, મૃતક CRPF કોન્સ્ટેબલ દેવનનો મૃતદેહ અંબાણીના દક્ષિણ મુંબઈમાં પેડર રોડ સ્થિત નિવાસ એન્ટિલિયાની બહાર CRPF પોસ્ટ પર મળ્યો હતો. આ દુર્ઘટનાથી ફાયરિંગનો મામલો છે. તેને જોઈને આત્મહત્યા કહી શકાય નહીં. ગામદેવી પોલીસ સ્ટેશનમાં દુર્ઘટનાથી મૃત્યુનો મામલો નોંધવામાં આવ્યો હતો અને ઘટનાના કારણોની વિસ્તૃત તપાસ ચાલુ છે.