ચેન્નાઈ: તમિલનાડિના મુખ્યમંત્રી જયલલિતાને ગઈ કાલે રાત્રે ફરી વાર હાર્ટ અટેક આવ્યો હતો જે પછી તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયુ હતું. તે પછી તેમને તરત જ આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. આ ખબર ફેલાતા જ તેમના સમર્થકોની ભીડ અપોલો હોસ્પિટલની બહાર જમા થઈ ગઈ છે. આ સમર્થકો જયલલિતા માટે પ્રાર્થના કરી રહ્યા છે તો કેટલાક રડી રહ્યા છે.






જયલલિતાના સમર્થકોની ભીડ જોતા હાલ અપોલો હોસ્પિટલની બહાર સીઆરપીએફના જવાનોનો કાફવો ખડકી દેવામાં આવ્યો છે. તમિલનાડુમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.

અપોલો હોસ્પિટલે એક પ્રેસ નોટ જાહેર કરી જણાવ્યું કે રવિવારે સાંજે પાંચ વાગ્યે જયલલિતાને બીજો હાર્ટ અટેક આવ્યો હતો. જે પછી તેમની સારવાર આઈસીયુમાં કરવામાં આવી છે.

આ પહેલા તેમને 22 સપ્ટેમ્બરના રોજ બિમાર હાલતમાં અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને તે લગભગ 2 મહિના આઈસીયુમાં રહ્યા હતા.

અપોલો હોસ્પિટલના નિવેદન બાદ તરત જ ગૃહમંત્રી રાજનાથ સિંહે તમિલનાડુના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ સાથે વાત-ચીત કરી અને જયલલિલતાના સ્વાસ્થ અંગે જાણકારી લીધી હતી. રાવ હાલ મહારાષ્ટ્રના પણ રાજ્યપાલ છે. આ અંગે જાણકારી મળતા તે મુંબઈથી ચેન્નાઈ જવા રવાના થયા હતા. અને અપોલો હોસ્પિટલ પહોંચ્યા હતા.

મંત્રી અને વરિષ્ઠ પોલીસ અધિકારી પણ હોસ્પિટલ પહોંચ્યા અને પરિસ્થિતિ અંગે અનૌપચારિક વિચાર-વિમર્શ કર્યો હતો. હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ તૈનાત છે. હોસ્પિટલની બહાર 68 વર્ષીય અમ્માના હજારો સમર્થકો અને અન્નાદ્રમુકના કાર્યકર્તાઓ ભેગા થઈ ગયા છે.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, દ્રમુખ પ્રમુખ કરૂણાનીધિ, તેમના પુત્ર અને રાજ્ય વિધાનસભામાં વિપક્ષ નેતા એમ.કે. સ્ટાલિન, કેન્દ્રીય મંત્રીઓ, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વગેરે નેતાઓએ જયલલિતાના સ્વાસ્થ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને તેમનું સ્વાસ્થ જલદી સુધરે તે કામના કરી છે.