કાશ્મીરઃજમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ બીએસ. સુબ્રમણ્યમે પ્રેસ કોન્ફરન્સ કરી રાજ્યની વર્તમાન સ્થિતિની જાણકારી આપી હતી. તેમણે જાહેરાત કરી હતી કે જમ્મુ કાશ્મીરમાં વિકાસ કરવો સરકારનું મુખ્ય લક્ષ્ય છે. તેમણે કહ્યું કે, સરકાર એ સંગઠનો વિશેની જાણકારી એકઠી કરી રહી છે જે ઘાટીમાં આતંકવાદ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. આ સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ માટે સરકાર દુનિયાભરમાંથી રેકોર્ડ્સ એકઠા કરી રહી છે. ઘાટીમાં કોઇ પણ પ્રકારનો માહોલ બગડે નહી તે માટે કેટલીક સર્વિસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેમાં ફોન, ઇન્ટરનેટ સર્વિસનો સમાવેશ થાય છે.


તેમણે કહ્યું કે, સરકાર તરફથી સમય-સમય પર લોકોને છૂટ આપવામાં આવી હતી. ઇદના અવસર પર પણ લોકોને છૂટ આપવામાં આવી હતી. તે સિવાય જે લોકો હજથી પાછા ફરી રહ્યા છે. તેમને પણ તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે. સુબ્રમણ્યમે જાહેરાત કરી હતી કે છેલ્લા દિવસોમાં એક પણ માણસે જીવ ગુમાવ્યો નથી. પાકિસ્તાન સતત કાશ્મીરનો માહોલ બગાડવાનો પ્રયાસ  કરી રહ્યુ છે પરંતુ તે તેને તેમાં સફળતા મળી રહી નથી.

આ દરમિયાન તેમણે લશ્કર-એ-તોયબા, હિઝબુલ જેવા આતંકી સંગઠનોનું નામ લીધુ હતું. સાથે તેમણે કહ્યું કે, ઘાટીમાં ધીરે ધીરે સ્થિતિ સામાન્ય બની રહી છે અને અમે પણ પ્રતિબંધો હટાવી રહ્યા છીએ. હાલમાં સરકારી ઓફિસોને ખોલવામાં આવી છે. સાથે સરકારી સ્કૂલો પણ ધીરે ધીરે ખોલવામાં આવશે. ત્યારબાદ સ્થિતિની સમીક્ષા કરીને આગળનો નિર્ણય લેવામાં આવશે.