Nagpur: નાગપુરમાં એક એવી ઘટના બની છે જેના કારણે લોકોને ફાયદો થયો છે પરંતુ બેંકની સાથે  લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. વાસ્તવમાં, એક્સિસ બેંકના ATMમાં ટેકનિકલ ખામીના કારણે 500 રૂપિયા ઉપાડવા આવેલા ગ્રાહકને  1100 રૂપિયા મળવાનું શરૂ થયું હતું. એટલે કે 600 રૂપિયા વધારે એટીએમમાંથી નિકળી રહ્યા હતા, આ સમાચાર સમગ્ર શહેરમાં આગની જેમ વાયરલ થતા  ATMની બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી.  આ રીતે લોકોએ વહેતી ગંગામાં હાથ ધોયા હતા.


આ ઘટના નાગપુરના ખાપરખેડાના બજાર ચોક સ્થિત એક્સિસ બેંકના એટીએમમાં ​​બની હતી. આ એટીએમ શહેરની વચ્ચોવચ સ્થિત હોવાના કારણે અહીં પૈસા ઉપાડવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. 500 રૂપિયા ઉપાડનારને 600 રૂપિયા વધુ મળતા હતા. આ ઘટનાની જાણ શહેરમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી.


મળતી માહિતી મુજબ, ATM મશીનની ટ્રેમાં પૈસા ભરતી વખતે કર્મચારીઓ દ્વારા આ ભૂલ થઈ હતી. જવાબદાર નાગરિકો દ્વારા પોલીસને આ ઘટના અંગે જાણ કરાઈ હતી.  ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને એટીએમનું શટર બંધ કરીને લોકોને અટકાવ્યા હતા.


આ પછી બેંક કર્મચારીઓએ આવીને મશીન રીપેર કર્યું, પરંતુ ત્યાં સુધીમાં બેંકનું 3 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થઈ ચૂક્યું હતું. મળતી માહિતી મુજબ એટીએમની બહાર કોઈ સિક્યોરિટી ગાર્ડ નહોતો, જો સિક્યોરિટી ગાર્ડ હોત તો કદાચ આ ઘટનામાં બેંકને આટલું નુકસાન ન થયું હોત.  ટેકનિકલ સમારકામ માટે બપોરના સમયે એટીએમ બંધ કરીને બેંકે ઝડપથી કામ કર્યું હતું.  સાંજે 7 વાગ્યા સુધીમાં સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. અનુમાન મુજબ, ભૂલને કારણે લોકોને ₹3 લાખથી વધુની રકમ મળી છે.