પક્ષના વરિષ્ઠ નેતા દ્વારા લખવામાં આવેલા પત્ર બાદ કોંગ્રેસમાં બધુ બરાબર ન હોવાનું જાહેર થઈ ગયું છે. આ દરમિયાન પક્ષના ઘણા કાર્યકર્તાઓ ઓફિસ બહાર એકત્ર થઈ ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો. કોંગ્રેસ કાર્યાલય બહાર એકત્ર થયેલા કાર્યકર્તા જગદીશ શર્માએ ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું, અમે પક્ષ પ્રમુખ તરીકે ગાંધી પરિવારને જ ઈચ્છીએ છીએ. જો બહારના કોઈ વ્યક્તિને પ્રમુખ બનાવાશે તો પક્ષ વેરવિખેર થઈ જશે.
CWCની વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં સોનિયા ગાંધી અને ડો. મનમોહનસિંહ ઉપરાંત પ્રિયંકા ગાંધી. એ.કે. એન્ટની, કેપ્ટન અમરિન્દરસિંહ, ભુપેશ બઘેલ સહિતના ટોચના નેતાઓ હાજર છે. આ બેઠકમાં સોનિયા ગાંધીએ મોટો ધડાકો કરતાં કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું આપવાની ઓફર કરી હતી. જો કે ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહે સોનિયા ગાંધીને પોતાનો નિર્ણય બદલવા વિનંતી કરી છે. ડો. મનમોહનસિંહે સોનિયાને પ્રમુખપદે ચાલુ રહેવા વિનંતી કરી છે.