Cyclone Biparjoy Update: બિપરજોય વાવાઝોડું ગુરુવારે (15 જૂન) રાત્રે 11.30 વાગ્યાની આસપાસ ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ દરિયા કાંઠે ત્રાટક્યું હતું. દરિયાકાંઠે ટકરાયા બાદ વાવાઝોડાની ગતિ સતત ઘટી રહી છે. જખૌ અને માંડવી સહિત કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવે આ વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે  જ્યાં પવનની ગતિ 75 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની નજીક છે.


હવામાન વિભાગે જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે આજે અને આવતીકાલે ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ પડશે. આગામી ચાર દિવસ સુધી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે કચ્છમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. શુક્રવારે (16 જૂન) સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ યથાવત રહેશે. તોફાનના કારણે દિલ્હીમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. આ સાથે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે.


અનેક વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી


કચ્છ જિલ્લાના જખૌ અને માંડવી પાસે કેટલાય વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થયા હતા, જ્યારે ઘરના બાંધકામમાં વપરાતા શેડ પણ ઉડી ગયા હતા. દ્વારકામાં ઝાડ પડવાથી ત્રણ લોકોને ઈજાઓ પહોંચી છે જેમને સારવાર આપવામાં આવી રહી છે. ગુજરાત પોલીસ, નેશનલ ડિઝાસ્ટર ફોર્સ અને આર્મીની ટીમો દ્વારકાના વિવિધ ભાગોમાં ઉખડી ગયેલા વૃક્ષોને હટાવવાનું કામ કરી રહ્યા છે.


સેનાએ ભૂજ, જામનગર, ગાંધીધામ તેમજ નલિયા, દ્વારકા અને માંડવીમાં અનેક સ્થળોએ 27 રાહત ટીમો તૈનાત કરી છે. વાયુસેનાએ વડોદરા, અમદાવાદ અને દિલ્હીમાં એક-એક હેલિકોપ્ટર તૈયાર રાખ્યું છે. નેવીએ બચાવ અને રાહત માટે ઓખા, પોરબંદર ખાતે 10-15 ટીમો તૈનાત કરી છે, જેમાં પ્રત્યેકમાં પાંચ ડાઇવર્સ અને તરવૈયાઓનો સમાવેશ થાય છે. IMDના અમદાવાદ યુનિટના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે ચક્રવાતની તીવ્રતા ઓછી થવા છતાં શુક્રવારે જોરદાર પવન ફૂંકાશે.


99 ટ્રેનો રદ કરવામાં આવી હતી


માંડવીમાં દરિયાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાંથી ઉદભવેલા ચક્રવાતી તોફાન બિપરજોયની અસર વલસાડમાં પણ જોવા મળી હતી. ગુજરાતના ગીર સોમનાથમાં દરિયાના મોજા સાથે અથડાતા એક મકાન ધરાશાયી થયું છે, જ્યારે અનેક મકાનોને ભારે નુકસાન થયું છે. બિપરજોયરની અસર ટ્રેન સેવાઓ પર પણ જોવા મળી છે. 18 જૂન સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં 99 ટ્રેનો રદ કરવામાં આવી છે. ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે તોફાન બાદ અત્યાર સુધીમાં 22 લોકો ઘાયલ થયા છે અને 23 પશુઓના મોત થયા છે.


IMDના ડિરેક્ટર ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે ચક્રવાત બિપરજોય ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને પાકિસ્તાનના દરિયાકાંઠાને અડીને આવેલા સૌરાષ્ટ્ર-કચ્છને વટાવી ગયું છે. ચક્રવાત હવે દરિયામાંથી જમીન તરફ આગળ વધ્યું છે અને તેનું કેન્દ્ર સૌરાષ્ટ્ર-કચ્છ તરફ છે. તેમણે કહ્યું કે 16 જૂનની સાંજે ચક્રવાતી તોફાન ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.