Cyclone Landfall : બિપરજોય નામના વાવાઝોડાએ ખૂબ જ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે. ભારતીય હવામાન વિભાગે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 15મી જૂને બપોરે ગુજરાતના જખૌ બંદર પરથી પસાર થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સ્થિતિમાં માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે.


પવનની ઝડપ 129.64 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી જતાં, બિપોરજોય અરબી સમુદ્રમાં ચોથું સૌથી મજબૂત તોફાન બની ગયું છે. તે 15 જૂને ગુજરાતના કચ્છના માંડવીથી પાકિસ્તાનના કરાચી સુધી લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. પરંતુ ઘણા લોકોને લોન્ડફોલ શું છે તેનાથી અજાણ હોય છે. તો આજે અમે તમને જણાવીએ કે કોઈપણ ચક્રવાતી તોફાનનો લેન્ડફોલ શું છે અને તેની અસર શું છે તેના વિષે માહિતી આપવા જઈ રહ્યાં છીએ. 


ચક્રવાત લેન્ડફોલ શું છે?


જ્યારે ચક્રવાત સમુદ્રમાંથી આગળ વધે છે અને જમીન પર પ્રવેશ કરે છે ત્યારે તેને ચક્રવાત લેન્ડફોલ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં તેની અસર પાણી બાદ જમીન પર દેખાવા લાગે છે. જ્યારે ચક્રવાત જમીન પર લેન્ડફોલ કરે છે ત્યારે આ સમય દરમિયાન ભારે પવન સાથે ભારે વરસાદ થાય છે. આ દરમિયાન સમુદ્રનું સ્તર પણ વધે છે.


ત્યાર બાદ તોફાન ઘણી તબાહી મચાવે છે અને તે જ્યાં પણ ત્રાટકે છે ત્યાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત કરે છે. કોઈપણ ચક્રવાતના લેન્ડફોલ સમયે પવનની ગતિ 110 થી 120 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે. એટલા માટે ચક્રવાત લેન્ડફોલ સમયે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે, જેથી નુકસાન ઓછું થાય.


Biporjoyને લઈ આ છે જુદી જુદી આગાહી


Biporjoy વિશે ચિંતાજનક બાબત એ છે કે, તેનો ટ્રેક સ્પષ્ટ નથી. ડાઉન ટુ અર્થના એક રિપોર્ટ અનુસાર આ અંગે અલગ-અલગ આગાહી કરવામાં આવી રહી છે. પરંતુ સાથે જ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, ભારતે આ અંગે સાવધાન રહેવું જોઈએ. ભારતના હવામાન વિભાગે 9 જૂનના રોજ આગાહી કરી હતી કે, ચક્રવાત બિપોરજોય આગામી 48 કલાકમાં ભારતની ઉપર ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને ત્યારપછીના ત્રણ દિવસમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે.


જ્યારે યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટે જણાવ્યું હતું કે, બિપરજોય 16 જૂને પાકિસ્તાનના સિંધમાં લેન્ડફોલ કરશે. તો ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ કહે છે કે Biporjoy 16 જૂને પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં લેન્ડફોલ કરશે. બીજી બાજુ, 8 જૂને, જીએફએસ મોડેલે આગાહી કરી હતી કે, વાવાઝોડું 14-15 જૂન સુધીમાં ઓમાનમાં લેન્ડફોલ કરે તેવી સંભાવના છે.


આગાહી ટ્રેસ કરવામાં મુશ્કેલી


યુનાઇટેડ કિંગડમની યુનિવર્સિટી ઓફ રીડિંગના રિસર્ચ સાયન્ટિસ્ટ અક્ષય દેવરાસે કહ્યું કે અલગ-અલગ ક્લાઇમેટ મોડલના અનુમાનમાં તફાવત છે, પરંતુ આ વખતે આ તફાવતો ખૂબ જ આશ્ચર્યજનક છે. તેનું મુખ્ય કારણ એ છે કે, વિન્ડ પ્રોફાઇલ આદર્શ નથી. ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, એક તરફ જોરદાર પવનો એક દિશામાં ફૂંકાઈ રહ્યા છે અને નબળા પવનો બીજી દિશામાં ફૂંકાઈ રહ્યા છે. તે ઉષ્ણકટિબંધીય ચક્રવાતની તરફેણ કરતું નથી. બીજી તરફ, પાકિસ્તાન અને પશ્ચિમ એશિયામાં શુષ્ક હવા છે, જે ઉષ્ણકટિબંધીય ચક્રવાત માટે ઝેર છે. જેમ જેમ ચક્રવાત આગળ વધશે તેમ તેમ વિવિધ પ્રદેશોમાંથી સૂકી હવા ખેંચશે. આ કારણોસર ઉષ્ણકટિબંધીય ચક્રવાત અને ટ્રેકની ચોક્કસ તીવ્રતા અને સ્થાન જાણવામાં મુશ્કેલીઓ આવી રહી છે. સાદી ભાષામાં સમજીએ તો આ ચક્રવાતનો માર્ગ સીધો નથી પરંતુ સાપ ચાલ માફક વાંકોચુંકો છે. એટલે કે સર્પાકાર છે. 


આવી સ્થિતિમાં જો ઉષ્ણકટિબંધીય ચક્રવાત અરબી સમુદ્ર પર રહે છે અને પરિસ્થિતિઓ પ્રતિકૂળ રહે છે, તો તે સમુદ્ર પર જ વિખેરાઈ શકે છે અથવા નબળું બની શકે છે. બીજી તરફ જો તે તીવ્રતા જાળવી શકે તો વધુ વરસાદ પડી શકે છે. અક્ષય દેવરાસે કહ્યું કે, જો તે પાકિસ્તાન અથવા ઉત્તર ગુજરાત તરફ આવશે તો વરસાદ ઓછો થશે પરંતુ મને નથી લાગતું કે તે કોઈ તોફાન લાવશે.