Cyclone Biporjoy Update: દેશના દરિયાકાંઠાના વિસ્તારો પર વધુ એક ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ મંગળવારે જણાવ્યું હતું કે, ગુજરાતના દક્ષિણ પોરબંદર ખાતે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનું લો પ્રેશર ક્ષેત્ર ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. આ તોફાનને 'બિપરજોય' નામ આપવામાં આવ્યું છે. આ નામ બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યું છે.


હવામાન વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે, સવારે 8.30 વાગ્યે લો પ્રેશર વિસ્તાર દક્ષિણ-પશ્ચિમ ગોવાથી લગભગ 950 કિમી, દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ મુંબઈથી 1,100 કિમી, દક્ષિણ પોરબંદરથી 1,190 કિમી અને પાકિસ્તાનના દક્ષિણ કરાચીથી 1,490 કિમી દૂર હતું. આગામી 24 કલાક દરમિયાન ડિપ્રેશન ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. તે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.


ચક્રવાત ધારણ કરી શકે છે ભયાનક સ્વરૂપ 


હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ચક્રવાતી તોફાન ગુરુવાર (8 જૂન) સવાર સુધીમાં ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે અને શુક્રવાર (9 જૂન) સાંજ સુધીમાં ગંભીર સ્વરૂપ ધારણ કરશે. તેની સીધી અસર કેરળ-કર્ણાટક અને લક્ષદ્વીપ-માલદીવના દરિયાકાંઠે જોવા મળશે. આ સાથે કોંકણ-ગોવા-મહારાષ્ટ્રના દરિયાકાંઠે 8 થી 10 જૂન સુધી દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે. ખતરાને જોતા દરિયામાં ગયેલા માછીમારોને દરિયા કિનારે પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે.


કેરળમાં ચોમાસું ક્યારે શરૂ થશે?


IMDએ સોમવારે જણાવ્યું હતું કે, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર નીચા દબાણના વિસ્તારની રચના અને આગામી બે દિવસમાં તીવ્ર બનવાને કારણે, ચક્રવાતી પવનો કેરળના કાંઠા તરફ ચોમાસાના આગમનને ગંભીર અસર કરી શકે છે. જો કે કેરળમાં ચોમાસાની શરૂઆતની તારીખ સ્પષ્ટ કરવામાં આવી નથી. જ્યારે, 'સ્કાયમેટ વેધર'એ જણાવ્યું કે ચોમાસું 8 કે 9 તારીખે કેરળમાં દસ્તક આપી શકે છે પરંતુ માત્ર હળવો વરસાદ થવાની સંભાવના છે.


IMDએ ચોમાસા વિશે શું કહ્યું?


IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડીએસ પાઈએ જણાવ્યું કે કેરળમાં સોમવારે (5 જૂન) પણ સારો વરસાદ થયો હતો અને આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસાના આગમન માટે હવામાન અનુકૂળ છે. પાઈએ કહ્યું હતું કે, ચક્રવાતી તોફાન અને બંગાળની ખાડીમાં ઓછા દબાણને કારણે દક્ષિણ દ્વીપકલ્પમાં વરસાદ પડશે. ચક્રવાત નબળા પડ્યા બાદ ચોમાસું દક્ષિણ દ્વીપકલ્પમાંથી આગળ વધશે.


પાછલા વર્ષોના ચોમાસાના રેકોર્ડ


પાછલા વર્ષોના રેકોર્ડ મુજબ આ વખતે દક્ષિણ પૂર્વ ચોમાસું મોડું થયું છે. વર્ષ 2022માં 29મી મે, 2021માં 3જી જૂન, 2020માં 1લી જૂન, 2019માં 8મી જૂન અને 2018માં 29મી મેએ ચોમાસું આવી પહોંચ્યુ હતું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કેરળમાં ચોમાસામાં થોડો વિલંબ થવાનો અર્થ એ નથી કે ચોમાસું દેશના અન્ય ભાગોમાં મોડું પહોંચશે. આનાથી ચોમાસા દરમિયાન દેશભરના કુલ વરસાદને પણ અસર થતી નથી.