કોલકાતા: ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝડપી પવન અને ભારે વરસાદના કારણે ચક્રવાતી તોફાન બુલબુલ હવે કોલકાતામાં તેની અસર દેખાડી રહ્યું છે. જેને લઈને શનિવાર મોડી સાંજે કોલકત્તા એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં એલર્ટ અપાયું છે.

ચક્રવાતના કારણે રાજ્યમાં અનેક સ્થળોએ ઝાડ પડવાના અહેવાલ છે. ન્યૂઝ એજન્સી મુજબ ઝાડ પડવાના કારણે રાજ્યમાં એક વ્યક્તિના મોતના અહેવાલ છે. સાવચેતીના પગલાંરૂપે એનડીઆરએફની 35 ટીમ તહેનાત કરાઈ છે.

બીજી બાજુ ઓડિશામાં પણ આ તોફાનને કારણે સમુદ્રમાં બેથી ત્રણ મીટર ઊંચા મોજાં ઊછળતા જોવા મળ્યાં હતાં. જ્યારે 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો જોવા મળ્યો હતો. પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠાના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી પણ કરી છે.

બંગાળના અખાતમાં આવેલા મહાવિનાશક ચક્રવાત ‘બુલબુલ’ને પગલે કોલકાતા એરપોર્ટ શનિવારે સાંજે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. જેના પગલે સાંજે અમદાવાદથી કોલકાતા જતી ઈન્ડિગોની ફ્લાઈટ રદ કરવાની એરલાઈન્સને ફરજ પડી હતી.

એ જ રીતે ગોએરની બેંગલુરુથી અમદાવાદ આવતી ફ્લાઈટ સતત બીજા દિવસે 6 કલાકથી વધુ મોડી પડતાં પેસેન્જરોને મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. શનિવારે અમદાવાદ આવતી જતી 10 જેટલી ફ્લાઈટ 1 કલાકથી વધુ મોડી પડી હતી.