ભુવનેશ્વરઃ  વાવાઝોડા ફોનીએ વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. ફોની તોફાનના કારણે અત્યાર સુધી 103 ટ્રેન રદ કરવામાં આવી છે. ઓરિસ્સામાં ફોની તોફાનની અસર દેખાવવાની શરુઆત થઈ ગઈ છે. વાવાઝોડાની અસર ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના ઓછામાં ઓછા 19 જિલ્લા પર પડશે. ઉપરાંત સેનાને એલર્ટ રાખવામાં આવી છે.  ફોની શુક્રવારે પુરીના દરિયાકાંઠે ત્રાટકી શકે છે.


જે મુખ્ય ટ્રેનો રદ કરવામાં આવી છે તેમનું લિસ્ટ આ પ્રમાણે છે. હાવડા-ચેન્નાઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ, પટના-એરનાકુલમ એક્સપ્રેસ, નવી દિલ્હી-ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસ, હાવડા-હૈદરાબાદ ઇસ્ટ કોસ્ટ એક્સપ્રેસ, ભુવનેશ્વર-રામેશ્વરમ એક્સપ્રેસ.


વાવાઝોડુ દરિયા કાંઠે ટકરાય તે પહેલા 185 કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની સંભાવના છે. ફોની ચક્રવાતને ધ્યાનમાં રાખી ઓડિશાના બધા ડોક્ટર અને હેલ્થ સ્ટાફની રજાઓ રદ કરી દેવામાં આવી છે. આ સિવાય કર્મચારીઓને પણ હેડક્વાર્ટરમાં રિપોર્ટ કરવાનો આદેશ આપ્યો છે.

NDRF એ આંધ્રપ્રદેશમાં 12, ઓડિશામાં 28 અને પશ્ચિમ બંગાળમાં 6 ટીમો તૈનાત કરી છે. તેની સાથે જ 32 બોટ ટીમો, ઝાડ કાપવાના આધુનિક મશીનો સહિત કોઇપણ સ્થિતિને પહોંચી વળવા સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.


ઓડિશાના હવામાન વિભાગના ડાયરેક્ટર એચઆર બિસ્વાસે કહ્યું છે કે ચક્રવાતી તોફાન ફોનીનો પ્રભાવ ગત વર્ષે આવેલા તિતલી તોફાનની સરખામણીએ વધારે ગંભીર છે. 2 મે ના રોજ દક્ષિણ તટીય જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય 3 મે ના રોજ બધા તટીય જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યના સીએમ નવિન પટનાયકે આ દરમિયાન લોકોને સર્તક રહેવાની અપીલ કરી છે.