Cyclone Michaung: ચક્રવાત મિચોંગ દેશના દક્ષિણી રાજ્યો તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તબાહી મચાવી રહ્યું છે. ચેન્નઈમાં ભારે તોફાન અને ભારે વરસાદને કારણે 5 લોકોના મોત થયા છે. આ સાથે જ ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુના સીએમ સાથે વાત કરી છે અને તમામ શક્ય મદદની ખાતરી આપી છે. ચક્રવાત મિચોંગ પૂર્વ કિનારે પહોંચતા ભારે વરસાદને કારણે ચેન્નઈમાં જનજીવન ખોરવાઈ ગયું છે. તેને ધ્યાનમાં રાખીને 12 ફ્લાઈટ રદ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ચક્રવાત આજે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. તીવ્ર ચક્રવાતી વાવાઝોડું મંગળવારે સવારે નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે.
ચક્રવાતી તોફાન આજે બાપટલા કિનારે પહોંચવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ અધિકારીઓને રાહત પગલાં લેવાના નિર્દેશ આપ્યા છે. ગંભીર ચક્રવાતી વાવાઝોડાની અસરને કારણે આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 8 જિલ્લાઓ - તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, કોનસીમા અને કાકીનાડા માટે ચેતવણી જાહેર કરી છે.
સમીક્ષા બેઠકમાં સીએમ રેડ્ડીએ અધિકારીઓને જીવન અને સંપત્તિના નુકસાનને ટાળવા માટે તોફાનને એક મોટા પડકાર તરીકે લેવાના નિર્દેશ આપ્યા હતા. તોફાન દરમિયાન પ્રતિ કલાક 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી અપેક્ષા છે. રેડ્ડીએ જણાવ્યું હતું કે ચક્રવાતથી પ્રભાવિત તમામ જિલ્લાઓ માટે વિશેષ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરી માટે 2 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. વિશેષ અધિકારીઓ કલેક્ટર સાથે સંકલનમાં રહીને કામ કરશે અને જો વધુ ભંડોળની જરૂર પડશે તો સરકાર તેની વ્યવસ્થા કરશે.
રેડ્ડીએ જણાવ્યું હતું કે જો કોઈપણ વિસ્તારમાં નાગરિક સુવિધાઓ પર પ્રતિકૂળ અસર થાય છે તો અધિકારીઓએ તેને તાત્કાલિક યોગ્ય કરવી જોઈએ. મુખ્યમંત્રી કાર્યાલયના એક નિવેદન અનુસાર, તીવ્ર ચક્રવાતી તોફાન મંગળવારે બપોરના સુમારે બાપટલા પહોંચવાની ધારણા છે, જેમાં 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
તિરુપતિ એરપોર્ટના ડાયરેક્ટર કેએમ બસવરાજુએ જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે સોમવારે તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. અવિરત વરસાદને કારણે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે ભક્તોને શ્રી કપિલતીર્થમ ધોધમાં પવિત્ર સ્નાન કરવાથી અસ્થાયી રૂપે રોક લગાવી દેવામાં આવી છે