નવી દિલ્હી: ચક્રવાતી વાવાઝોડુ 'તિતલી' હવે ધીમે ધીમે ઓડિશા અને આંધ્રપ્રદેશના કાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. જેને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે. ગુરૂવારે વાવઝોડુ પ્રચંડ રૂપ લઈ શકે છે. આ ભયાનક વાવાઝોડાથી બચવા માટે અલગ અલગ જિલ્લામાં એનડીઆરએફની 18 ટીમો તૈનાત કરવામાં આવી છે. . હવામાન વિભાગ અનુસાર હાલમાં 145 કિમી પ્રતિ કલાકની સ્પીડ હવા ચાલવાનો અનુમાન છે. ગુરૂવારે વાવાઝોડાની તીવ્રતા વધી શકે છે વાવાઝોડાના કારણે 11 અને 12 તારીખે સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ચક્રવાતી વાવાઝોડુ 'તિતલી'નો સામનો કરવા માટે તમામ તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક ઉચ્ચરસ્તરીય બેઠક બોલાવી હતી. ઉત્તરી આંધ્રપ્રદેશ અને દક્ષિણી ઓડિશાના કાંઠા પર ચક્રવાતીના પ્રભાવને જોતાં ખુર્દા રોડ અને વિજયાનગરમ વચ્ચેની રેલ સેવા રાતે 10 વાગ્યાથી બંધ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 'તિતલી' ઓડિશાના ગોપાલુપરથી લગભગ 530 કિમી દક્ષિણ પૂર્વ અને આંધ્રપ્રદેશના કલિગપટ્નમથી 480 કિમી દૂર પૂર્વમાં છે. ઓડિસા સરકારે ગુરૂવારે ગજપતિ, ગંજામ, પુરી, ખુર્દા, જગતસિંહપુર અને કેન્દ્રપાડા જિલ્લાના પ્રશાસનને ચક્રવાતી વાવાઝોડું ‘તિતલી’ને લઈને સંભવિત વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપી દીધો છે. ઉત્તરપ્રદેશ થઈને હાવડા/ખડગપુર તરફથી આવતી તમામ ટ્રેન સાંજે 5.15 વાગ્યા બાદ વધુ સુચના ન મળે ત્યાં સુધી ભદ્રકથી આગળ નહીં વધે. હૈદરાબાદ/વિશાખાપટ્ટનમથી ચાલતી ડાઉન ટ્રેન પણ સાંજે 6.40 વાગ્યા બાદ દુવ્વાડાથી આગળ નહીં વધે.