નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઇ રહેલી હિંસા અને પલાયન પર મૌન તોડ્યુ હતું. વડાપ્રધાન મોદીએ આ મામલે કોગ્રેસ પર નિશાન સાધ્યુ હતું અને કહ્યુ હતું કે, કોગ્રેસનો મંત્ર ‘ભાગલા પાડો અને રાજ કરો’ છે જ્યારે બીજેપી ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્ર સાથે કામ કરે છે. વાસ્તવમાં વડાપ્રધાન મોદી બીજેપીના મેરા બુથ, સબસે મજબૂત અભિયાન હેઠળ રાયપુર, મૈસૂર, ધૌલપુર, દમોહ અને આગ્રાના બીજેપીના કાર્યકર્તાઓ સાથે નમો એપ પર વાત કરી રહ્યા હતા. મોદીએ કહ્યું કે, કોગ્રેસે આજ સુધી ભાગલા પાડો અને રાજ કરો પર અમલ કર્યો છે. નાની-નાની વાતો પર લોકોને ભડકાવીને લાભ મેળવવાનું કામ કર્યું છે. વડાપ્રધાને કહ્યું કે, અમે સુખ વહેંચનારા છીએ. તેઓ સમાજના ભાગલા પાડનારા છે. આપણે સુખ વહેંચીને તમામ લોકોની લાઇફમાં સુખ લાવવાનો પ્રયાસ કરવાનો છે.  તેમનું કામ સમાજને વહેંચીને એક પરિવારનું ભલુ કરવાનું છે. મોદીએ આરોપ લગાવ્યો હતો કે પાંચ રાજ્યોમાં યોજનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પ્રકારની ઘટનાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કોગ્રેસનું કામ જ તોડો, વહેંચો અને એકબીજાને લડાવવાનું છે.ઉલ્લેખનીય છે કે સાબરકાંઠામાં 14 મહિનાની બાળકી સાથે રેપની ઘટના બાદ આખા ગુજરાતમા ઉત્તર ભારતીયો વિરુદ્ધ હિંસા ભડકી છે. ત્યારબાદ ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો સ્થળાંતર કરી રહ્યા છે. આ મુદ્દા પર વડાપ્રધાનના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પણ ગુજરાતી નરેન્દ્ર મોદી બનારસ છોડોના પોસ્ટર લાગ્યા હતા. બીજેપી વિરુદ્ધ બની રહેલા મહાગઠબંધન પર વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને કહ્યું કે, ગઠબંધનની ચિંતા તમે મારા પર છોડી દો. આ મજબૂરીથી એકઠા થયેલા લોકો છે. જેઓ જામીન પર છે. તેઓ લોકો પોતાના જાતને બચાવવાના રસ્તા શોધી રહ્યા છે. આ લોકોના ભલા માટે એકઠા થયા નથી તેમનો એક જ મંત્ર છે મોદી હટાવો. ચૂંટણી જીતવી આપણા માટે કોઇને હરાવવાનો અહંકાર નથી પરંતુ આપણા માટે સેવા કરવાનો એક અવસર છે.