નવી દિલ્હી: આજે સાંજે અથવા કાલે વહેલી સવારે ભયાનક ‘વાયુ’ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ત્રાટકવાની તૈયારીમાં છે. અરબ સાગરમાં ઉદભવેલું ‘વાયુ’ નામનું વાવાઝોડુ મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવાનામ વિભાગના જણાવ્યા પ્રમાણે, આ વાવાઝોડું પોરબંદર, વેરાવળ અને કચ્છના દરિયાકાંઠે ટકરાવવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

‘વાયુ’ વાવાઝોડાની ઝડપ ગુજરાતમાં 110થી 135 કિલોમીટર પ્રતિ કલાક તો મહારાષ્ટ્રમાં 70 કિલોમીટરની હોવાનું જાણવા મળ્યું છે. વાવાઝોડાની સાથે વરસાદ પણ પડશે. વાવાઝોડાના કારણે નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જેને લઈને ગુજરાતના તમામ અધિકારીઓ સજ્જ થઈ ગયા છે.

ગુજરાતના અધિકારીઓ ઓરિસ્સામાં આવેલા વાવાઝોડા સમયે અપનાવવામાં આવેલી ટેક્નિક વિષે જાણાકારી મેળવી રહ્યાં છે. ગૃહમંત્રી અમિત શાહે પણ આ મામલે બેઠક યોજી તૈયારીઓનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં વસવાટ કરતા લોકોનું સુરક્ષીત જગ્યાએ સ્થળાંતર કરી દેવાયું છે. તેવી જ રીતે ગુજરાતને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે, ફની વાવાઝોડા દરમિયાન ઓરિસ્સામાં અનુસરવામાં આવેલી ટેક્નિક શીખવા અને તેને અમલમાં મુકવાના હેતુસર ગુજરાતના અધિકારીઓ ઓરિસ્સા સરકારના સંપર્કમાં છે.