હવામાન વિભાગે આપેલી જાણકારી મુજબ, બુલબુલ વાવાઝોડું સાગર આઇલેંડ (પશ્ચિમ બંગાળ) અને ખેપુપારા (બાંગ્લાદેશ) વચ્ચે થઈને સુંદરબન ડેલ્ટાને પાર કરીને ઉત્તર-પૂર્વ ભારત તરફ જશે. હવામાન વિભાગે હાલ ચક્રવાતને ગંભીર શ્રેણીમાં રાખ્યું છે. જે બાદ નબળું પડવાનો અંદાજ છે.
આગામી 6 કલાક દરમિયાન પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળશે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. ઉપરાંત 18 કલાક સુધી બંગાળની ખાડીમાં ન જવાનો આદેશ પણ કર્યો છે. આગામી 36 કલાકમાં મેઘાલય, મિઝોરમ અને આસામમાં હળવા વરસાદની સંભાવના છે.
સાવચેતીના પગલાંરૂપે એનડીઆરએફની 35 ટીમ તહેનાત કરાઈ છે. બીજી બાજુ ઓડિશામાં પણ આ તોફાનને કારણે સમુદ્રમાં બેથી ત્રણ મીટર ઊંચા મોજાં ઊછળે તેવી સંભાવના છે. 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠાના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે.