Cyclone Dana: પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું છે. મંગળવારે સવાર સુધીમાં તે ડીપ પ્રેશર એરિયામાં અને બુધવારે ચક્રવાતમાં ફેરવાઈ જશે. ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થઈને તે 24 ઓક્ટોબરની સવારે બંગાળની ઉત્તર ખાડી સુધી પહોંચશે.
આ પછી તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને ઓડિશાના પુરી અને બંગાળના સાગર દીપપુંજની વચ્ચે 24મી રાત્રે અથવા 25મી ઓક્ટોબરની સવારની વચ્ચે દરિયાકિનારા સાથે ટકરાશે. દરમિયાન પવનની ઝડપ 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. તેની અસરના કારણે 23 ઓક્ટોબરથી જ ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ શરૂ થશે.
ભારે વરસાદની શક્યતા
ઓડિશા અને બંગાળ સરકારે એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગે 24 અને 25 ઓક્ટોબરે સંબંધિત વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે પવનની ઝડપ 90 કિલોમીટર પ્રતિ કલાક હોય ત્યારે તેને ચક્રવાત કહેવામાં આવે છે. જ્યારે પવનની ઝડપ 90 થી 120 કિમી પ્રતિ કલાક હોય ત્યારે તેને ગંભીર ચક્રવાત કહેવામાં આવે છે.
માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ
જો કે 'દાના'ને લઈને દરિયો તોફાની રહેશે. આવી સ્થિતિમાં માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ કરીને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ સોમવારે આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે ચક્રવાતને કારણે લોકોએ ગભરાવાની જરૂર નથી. ચક્રવાતનો સામનો કરવા માટે ફાયર બ્રિગેડ અને ODRFની ટીમોને તૈયાર રાખવામાં આવી છે. જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ જિલ્લાઓને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે
સાવચેતીના પગલા તરીકે પુરી, ભુવનેશ્વર, જગતસિંહપુર, કેન્દ્રપાડા, ભદ્રક, બાલેશ્વર, જાજપુર, ઢેંકાનાલ, કેંદુઝર અને મયૂરભંજ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોને ખાસ કરીને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર પણ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિની બેઠક મળી અને બચાવ અને રાહત તૈયારીઓની સમીક્ષા કરી હતી.
આર્મી-નેવીને તૈયાર રહેવા નિર્દેશ
બંગાળ અને ઓડિશાના મુખ્ય સચિવોએ પણ બેઠકમાં ભાગ લીધો હતો. આર્મી, નેવી અને કોસ્ટ ગાર્ડને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. કેબિનેટ સચિવ ટીવી સોમનાથને બંગાળ અને ઓડિશા સરકારોને જીવન અને સંપત્તિના નુકસાનને ઘટાડવા માટે તમામ જરૂરી પગલાં લેવા જણાવ્યું છે. NDRFની 14 ટીમો બંગાળમાં અને 11 ટીમ ઓડિશા તૈનાત કરવામાં આવી છે.