નવી દિલ્હીઃ ફાઇટર જેટ્સ રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર થયો હોવાના કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આરોપોનો ફ્રાન્સની કંપની દસોલ્ટના સીઇઓ એરિક ટ્રેપિયરે જવાબ આપ્યો છે. એરિકે એક ન્યૂઝ એજન્સી સાથેના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, હું ખોટું બોલતો નથી. અગાઉ પણ જે મેં કહ્યું છે તે સત્ય છે. રાફેલની કિંમતોને લઇને સીઇઓએ કહ્યું કે, હાલમાં જેટ 9 ટકા સસ્તા મળી રહ્યા છે. 36 વિમાનોની કિંમત એટલી જ છે જેટલી 18 વિમાનોની હતી. એવામાં કિંમતો ડબલ થવી જોઇતી હતી પરંતુ આ સરકાર-સરકાર વચ્ચેનો કરાર છે એવામાં અમારે કિંમતો 9 ટકા સસ્તી કરવી પડી છે. તેમણે રાહુલ ગાંધી દ્ધારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે દસોલ્ટના સીઇઓ ખોટું બોલી રહ્યા છે.
એરિકે કહ્યું કે, રાહુલ ગાંધી દ્ધારા જે આરોપો લગાવવામાં આવ્યા છે તે બિલકુલ પાયાવિહોણા છે. રાહુલ ગાંધી દસોલ્ટ અને રિલાયન્સ વચ્ચે થયેલા જોઇન્ટ વેન્ચર અંગે ખોટું બોલી રહ્યા છે. ડીલ અંગે જે જાણકારી આપવામાં આવી છે તે સત્ય છે કારણ કે તેઓ ક્યારેય ખોટું બોલતા નથી.
એરિકે કહ્યું કે, અમે જાતે જ ઓફસેટ પાર્ટનર તરીકે અનિલ અંબાણીની કંપનીની પસંદગી કરી છે. અમારા રિલાયન્સ સિવાય 30 અન્ય પાર્ટનર્સ પણ છે. એરિકે કહ્યું કે, અગાઉ ટાટા અને અન્ય કંપનીઓ સાથે કરાર પર વાતચીત થઇ હતી પરંતુ અંતમાં રિલાયન્સ એન્જિનિયરીંગ પાસે સુવિધાઓ હોવાના કારણે અમે તેમની સાથે ગયા. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરકારે રાફેલ ડીલ પ્રક્રિયાની તમામ વિગતો અરજીકર્તાને સોંપી દીધી છે