Data Protection Bill Passed In Rajya Sabha: રાજ્યસભાએ બુધવારે (9 ઓગસ્ટ) મણિપુર મુદ્દે વિપક્ષી સભ્યો દ્વારા વોકઆઉટ કર્યા પછી વૉઇસ વોટ દ્વારા 'ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2023' પાસ કર્યું હતું. લોકસભામાંથી પણ સોમવારે (7 ઓગસ્ટ) ના રોજ બિલ પસાર કરવામા આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે 'ગોપનીયતાના અધિકાર'ને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કર્યાના છ વર્ષ બાદ આ બિલ આવ્યું છે.






ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2023માં ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા વ્યક્તિઓના ડેટાના દુરુપયોગને રોકવાની જોગવાઈઓ છે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે બિલ ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરતા લોકોને નવા અધિકારો આપે છે અને નાગરિકોના ડેટાના સંગ્રહ અને પ્રક્રિયાના સંદર્ભમાં ખાનગી અને સરકારી સંસ્થાઓ પર ઘણી જવાબદારીઓ લાદે છે.


અશ્વિની વૈષ્ણવનો વિપક્ષ પર પ્રહાર


આ બિલમાં ભારતીય નાગરિકોની ગોપનીયતાના રક્ષણની જોગવાઈ છે, સાથે જ દંડની પણ જોગવાઇઓ છે. કોઈપણ વ્યક્તિના ડિજિટલ ડેટાનો દુરુપયોગ કરવા અથવા તેને સુરક્ષિત કરવામાં નિષ્ફળ રહેવા બદલ સંસ્થાઓ પર 250 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સંસદના ઉપલા ગૃહમાં બિલને રજૂ કરતા વૈષ્ણવે કહ્યું હતું કે  "જો વિપક્ષે સંસદમાં બિલ પર ચર્ચા કરી હોત તો સારું હોત પરંતુ કોઈપણ વિપક્ષી નેતા કે સભ્ય નાગરિકોના અધિકારો વિશે ચિંતિત નથી."


અશ્વિની વૈષ્ણવે બિલ વિશે શું કહ્યું?


અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ બિલ વ્યાપક જાહેર ચર્ચા બાદ લાવવામાં આવ્યું છે. તેની મુખ્ય વિશેષતાઓ પર પ્રકાશ પાડતા માહિતી અને ટેકનોલોજી મંત્રીએ કહ્યું કે કોઈપણ એકમ તરફથી એકત્રિત કરવામાં આવેલ ડેટાનો ઉપયોગ માન્યતાના સિદ્ધાંત, હેતુ મર્યાદાના સિદ્ધાંત, ડેટા મિનિમાઇઝેશનના સિદ્ધાંત અનુસાર કરવાનો હોય છે. સિદ્ધાંતો પર વિગત આપતા તેમણે કહ્યું કે નાગરિકો તરફથી એકત્રિત કરવામાં આવેલ ડેટાનો ઉપયોગ કાયદા અનુસાર જે હેતુ માટે કરવામાં આવે છે તેના માટે જ કરવો જોઈએ.


સ્વતંત્ર ડેટા પ્રોટેક્શન બોર્ડ બનાવવામાં આવશે


વૈષ્ણવે કહ્યું કે આ કાયદા હેઠળ નાગરિકોને ચાર અધિકારો આપવામાં આવ્યા છે, જેમાં માહિતી મેળવવાનો અધિકાર, વ્યક્તિગત ડેટાને સુધારવાનો અને હટાવવાનો અધિકાર, ફરિયાદ નિવારણનો અધિકાર અને નોંધણી કરવાનો અધિકાર સામેલ છે. મંત્રીએ કહ્યું કે એક સ્વતંત્ર ડેટા પ્રોટેક્શન બોર્ડ (DPB) બનાવવામાં આવશે જે ડિજિટલ હશે અને દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં વિશેષાધિકાર પ્રાપ્ત લોકોની જેમ દેશભરના લોકોને ન્યાયની સમાન ઍક્સેસ પ્રદાન કરશે. બોર્ડમાં એવા નિષ્ણાતો હશે જે ડેટાના ક્ષેત્રને સમજતા હોય અને બોર્ડ કાયદા તરફથી સ્વતંત્ર હોય.


કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ બિલ દ્વારા માહિતી અધિકાર કાયદામાં રહેલા વિરોધાભાસને દૂર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે યુરોપના ડેટા પ્રોટેક્શન બિલમાં 16 છૂટ આપવામાં આવી છે, જ્યારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (ડીપીડીપી) બિલ 2023માં માત્ર ચાર છૂટ આપવામાં આવી છે. રાજ્યસભાના સભ્યો જોન બ્રિટાસ અને વી શિવદાસને બિલને સંસદની પસંદગી સમિતિને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.