કાઠમંડૂઃ મુંબઇ બ્લાસ્ટના આરોપી અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના  નજીક મનાતા રવિરાજ સિંહને નેપાળની રાજધાની કાઠમંડૂમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. રવિરાજ નેપાળમાં દાઉદનો સૌથી મોટો ચહેરો માનવામાં આવે છે. નેપાળમાંથી નકલી નોટોનો વ્યાપાર ચલાવવાના આરોપમાં રવિરાજ સિંહની ધરપકડ કરવામાં આવી છે.


નેપાળમાંથી નકલી નોટોનો વ્યાપાર ચલાવવા અને ગેરકાયદેસર રીતે કોલ બાયપાસ કરવાનો ધંધો ચલાવવાના આરોપમાં નેપાળ પોલીસની કેન્દ્રિય તપાસ એજન્સી સીઆઇબીએ રવિરાજની ધરપકડ કરી છે. ત્રણ વર્ષ અગાઉ 1 કરોડ રૂપિયાની નકલી નોટ લઇને પાકિસ્તાનથી નેપાળ આવેલા શેખ મોહમ્મદ, તેના નેપાળી સાથી મોહમ્મદ નુરલ્લાહની ધરપકડ બાદ નકલી નોટનો મુખ્ય કારોબારી રવિરાજ સિંહ અંગે પોલીસને જાણકારી મળી હતી.

પોલીસે તે સમયે પણ રવિરાજ સિંહની ધરપકડ કરી હતી પરંતુ 2 વર્ષ સુધી કસ્ટડીમાં રાખ્યા બાદ પુરાવાઓના અભાવે કોર્ટે તેને છોડી મુક્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે, રવિરાજસિંહનું કનેક્શન ઇકબાલ મિર્ચી, સુનીલ દુબઇ અને બટકા સાથે છે. આ તમામ લોકો દાઉદના નજીકના સાથીઓ છે.