DCW Notice To Centre : દેશમાં આકસ્મિક મૃત્યુના વધતા જતા કેસોને લઈ સ્વત: સંજ્ઞાન લેતા દિલ્હી કમિશન ફોર વુમન (DCW)એ કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ જારી કરી હતી. DCWએ આ મૃત્યું કોરોનાના કારણે તો નથી થઈ રહ્યાં ને? તેને લઈને જવાબ માંગ્યો છે. DCWએ આ મામલે તપાસ કરવા એક સમિતિની રચના કરવા પણ ભલામણ કરી છે.
DCWના અધ્યક્ષા સ્વાતિ માલિવાલે છેલ્લા કેટલાક સમયથી રહી રહેલા આકસ્મીક મૃત્યુની તપાસ માટે રચાયેલી કોઈ પણ સમિતિની વિગતો માંગી છે. મહિલા આયોગે કહ્યું હતું કે, આ ઘટનાઓએ ગંભીર ચિંતાઓ ઉભી કરી છે અને એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ મૃત્યુઓ કોવિડ-19 સાથે સંબંધિત હોઈ શકે છે. કમિશને મીડિયા અહેવાલોને ટાંકીને DCW એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જ લખનૌમાં એક લગ્ન સમારોહમાં એક કન્યાનું અચાનક હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ થયું હતું.
આવી જ રીતે 16 વર્ષના છોકરાનું ક્રિકેટ રમતા રમતા મૃત્યુ થયું હતું. જ્યારે મધ્ય પ્રદેશમાં મંદિરની પરિક્રમા કરતી વખતે પણ એક વ્યક્તિનું અચાનક જ મોત નિપજ્યું હતું. આ સંદર્ભમાં DCW ચેરપર્સન સ્વાતિ માલીવાલે કેન્દ્રના સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશકની સાથો સાથ દિલ્હી સરકારને પણ નોટિસ પાઠવી છે. કમિશને આ મામલે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ને પણ નોટિસ પાઠવી છે.
કામકાજના સ્થળે અચાનક થતા મૃત્યુની તપાસ જરૂરી
નોટિસ દ્વારા DCWએ કહ્યું હતું કે, તેણે આ મૃત્યુની તપાસ માટે સંબંધિત હિતધારકો દ્વારા રચવામાં આવેલી કોઈપણ સમિતિઓની વિગતો માંગી છે. તેમણે આવા મૃત્યુના કારણો વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે જરૂરી પગલાં ભરવાની તેમજ લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે તેવી માંગ કરી છે.
DCWના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે, દેશમાં અચાનક મૃત્યુની કેટલીક કમનસીબ ઘટનાઓ સામે આવી છે. આ પ્રકારની ઘટનાઓના ઘણા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં યુવાન અને વૃદ્ધ લોકો નિયમિત કામકાજ કરતી વખતે અચાનક ઘટનાસ્થળે જ મૃત્યુ પામતા જોઈ શકાય છે. આ પ્રકારે થતા મૃત્યુના કારણોની તત્કાળ તપાસ થવી જોઈએ. આ કેસો કોવિડ-19 સાથે સંબંધિત છે કે કેમ તે પણ તપાસવું જોઈએ.
સરકારે આ પ્રકારની ઘટનાઓનોને ટાળવા માટે એક વ્યૂહરચના ઘડવી જોઈએ અને લોકોને કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ તે વિશે માહિતગાર કરવા માટે એડવાઈઝરી જારી કરવી જોઈએ, તેમ DCWના અધ્યક્ષા સ્વાતિ માલિવાલે કહ્યું હતું.