નવી દિલ્હીઃ કાયદાકીય દાવપેચના કારણે નિર્ભયા ગેંગરેપના દોષિતોની ફાંસીમાં થઇ રહેલા વિલંબ વચ્ચે સુપ્રીમ કોર્ટે ગુરુવારે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, એવો સંદેશ જવો જોઇએ નહી કે મોતની સજા ઓપન એન્ડેડ છે અને તેની સજા પામેલા કેદી કોઇ પણ સમયે તેને પડકારી શકે છે. બીજી તરફ ગુરુવારે કેન્દ્ર સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં મોતની સજા પામેલા દોષિતોને સાત દિવસમાં ફાંસી માટેની ગાઇડલાઇન નક્કી કરવાની માંગ કરતી અરજી પર તત્કાળ સુનાવણી કરવાની વિનંતી કરી હતી.


સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે નિર્ભયા ગેંગરેપ અને હત્યાના ચારેય દોષિતો એક પછી એક અરજી દાખલ કરીને ફાંસીમાં વિલંબ કરી રહ્યા છે. કોર્ટે કહ્યું કે આ કાયદાની રીતે થવું જોઇએ અને જજોનું સમાજ અને પીડિતો પ્રત્યે પણ કર્તવ્ય છે કે તેઓ ન્યાય કરે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એસ.એ. બોબડે, જસ્ટિસ એસ.એ. નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે આ ટિપ્પણીઓ મોતની સજા પામેલા એક પ્રેમી પંખીડાની રિવ્યૂ પિટિશન પર સુનાવણી દરમિયાન કરી છે.

આ કેસ ઉત્તર પ્રદેશમાં 2008માં એક જ પરિવારના સાત લોકોની હત્યા સાથે જોડાયેલો છે. પરિવારની એક યુવતીએ પ્રેમ પ્રસંગમાં પોતાના પ્રેમી સાથે મળીને પોતાના માતાપિતા, બે ભાઇઓ અને ભાભીઓ સાથે પોતાના 10 મહિનાના ભત્રીજાની હત્યા કરી દીધી હતી. 2015માં સુપ્રીમ કોર્ટે આ મામલામાં યુવતી અને તેના પ્રેમીની મોતની સજા  યથાવત રાખી હતી.