દિસપુરઃ આસામમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરથી સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. પૂરના કારણે રાજ્યના 28 જિલ્લાના 2930 ગામોમાં 19 લાખ લોકો પ્રભાવિત થયા છે. શુક્રવારે વરસાદના કારણે બે બાળકો સહિત વધુ નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા.






ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વધુ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે શનિવારે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર આસામમાં પૂરને કારણે આ વર્ષે 54 લોકોએ જીવ ગુમાવ્યો છે. પૂર પ્રભાવિત લોકોનું કહેવું છે કે ગામડાઓમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકોના ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.


આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) દ્વારા બહાર પાડવામાં આવેલા બુલેટિન મુજબ, દારંગ જિલ્લાના સિપઝાર વિસ્તારમાં પૂરના કારણે NH-15 ડૂબી ગયો છે. દારંગ જિલ્લા વહીવટીતંત્રે હાઇવે પર વાહનોની અવરજવર બંધ કરી દેતાં સેંકડો ટ્રકો ત્યાં અટવાઇ પડી હતી. આ ઉપરાંત ભારે વરસાદ અને પૂરના કારણે 13 પાળા તૂટી ગયા છે, 64 રસ્તાઓ અને એક પુલને નુકસાન થયું છે.


373 રાહત શિબિરોમાં એક લાખ લોકો રોકાયા


બજલી રાજ્યમાં સૌથી વધુ પ્રભાવિત જિલ્લો છે. અહીં પૂરના કારણે કુલ 3.55 લાખ લોકો પ્રભાવિત થયા છે. આ પછી દારંગમાં 2.90 થી વધુ લોકો અસરગ્રસ્ત છે. કુલ 43338.39 હેક્ટર જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. 373 રાહત શિબિરોમાં એક લાખથી વધુ લોકોને આશરો આપવામાં આવ્યો છે. કોપિલી, બ્રહ્મપુત્રા, બેકી, માનસ, પાગલડિયા, પુથિમરી અને જિયા-ભારાલી નદીઓ બે કાંઠે વહી રહી છે.


ગુવાહાટીમાં લોકોને ઘરમાં રહેવાની અપીલ


પીટીઆઈ અનુસાર, ગુવાહાટીમાં પ્રશાસને ભારે વરસાદને કારણે લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. ગુવાહાટીમાં અનિલ નગર, નબીન નાગે, ઝૂ રોડ, સિક્સ માઈલ, નૂનમતી, ભૂતનાથ, માલીગાંવ જેવા વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે પાણી ભરાવાને કારણે ગુવાહાટીમાં જનજીવન ઠપ થઈ ગયું છે.