નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ખેલાડીઓને ગુરુવારે  ખેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.  રિયો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી દીપા મલિક રાજીવ ગાંધી ખેલ રત્નથી સન્માનિત થનારી પ્રથમ ભારતીય મહિલા પેરા એથલીટ અને સૌથી નાની ઉંમરની ખેલાડી છે. પહેલવાન બજરંગ પૂનિયા સાથે સંયુક્ત પણ આ જ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે પરંતુ તેઓ હાજર રહી શક્યા નહોતા.

હરિયાણાના સોનીપતની દીપા મલિકે 2016માં રિયો પેરાલિમ્પિક્સમાં શોટ પુટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં એક કાર્યક્રમમાં દીપાને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ સિવાય 19 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે. જેમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને પૂનમ યાદવ, ટ્રેક અને ફિલ્ડ સ્ટાર્સ તેજીંદર પાલ સિંઘ તૂર, ફૂટબોલર ગુરપ્રીત સિંઘ સંધુ, મોહમ્મદ અનસ, સ્વપ્ના બર્મન, હોકી પ્લેયર સી. સિંઘ કંગજુમ અને શૂટર અંજુમ મુડગિલ શામેલ છે.
બેડમિંટન કોચ વિમલ કુમાર, ટેબલ ટેનિસ કોચ સંદીપ ગુપ્તા અને એથ્લેટિક્સના કોચ મોહિન્દર સિંહ ધીલ્લોને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. હોકીના મેજબાન પટેલ, રામબીરસિંહ ખોખર (કબડ્ડી) અને સંજય ભારદ્વાજ (ક્રિકેટ) ને લાઇફ ટાઇમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
મનોજ કુમાર(કુશ્તી), સી લાલરેમસંગા(તીરંદાજી), અરૂપ બસાક (ટેબલ ટેનિસ), નિટેન કીર્તાને (ટેનિસ) અને મેનુઅલ ફ્રેડ્રિક્સ(હોકી)ને ધ્યાનચંદ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.