નવી દિલ્હી: રાજનાથ સિંહે લદ્દાખ, અરૂણાચલ પ્રદેશ,સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારમાં બનાવવામાં આવેલે 44 પુલને રાષ્ટ્રને સમર્પિત કર્યા. રક્ષામંત્રી રાજનાથ સિંહે સરહદ પર વિવાદ વચ્ચે એક મોટું નિવેદન આપ્યું છે.


રાજનાથ સિંહે કહ્યું, પાકિસ્તાન બાદ હવે ચીન પણ સરહદ પર એક મિશન અંતર્ગત વિવાદ પેદા કરી રહ્યું છે, પરંતુ દેશ આ સંકટનો દ્રઢતાથી સામનો કરી રહ્યો છે.

રાજનાથ સિંહે કહ્યું, તમે આપણી ઉત્તરી અને પૂર્વી સરહદો પર બનાવવામાં આવલી સ્થિતિથી પરિચિત છો. પહેલા પાકિસ્તાન અને હવે ચીન. એવું લાગી રહ્યું છે કે એક મિશન અંતર્ગત સરહદ વિવાદ બનાવવામાં આવી રહ્યો છે. આ દેશો સાથે આપણી આશરે 7000 કિલોમીટર લાંબી સરહદ છે.

રાજનાથ સિંહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના નેતૃત્વ અંતર્ગત, ભારત આ સંકટને મજબૂતીથી સામનો કરી રહ્યું છે. આ તમામ ક્ષેત્રમાં મોટા અને ઐતિહાસિક બદલાવ પણ લાવવામાં આવી રહ્યા છે.