નવી દિલ્હી: હાથરસ ગેંગરેપ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉમાં સુનવણી કરવામાં આવી. બે જજોની બેંચની સામે પીડિતના પરિવારે પોતાનો પક્ષ રજુ કર્યો હતો. આ સાથે ઉત્તર પ્રદેશ સરકાર તરફથી અનેક અધિકારીઓ હાજર રહ્યા છે. બીજી તરફ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત ટ્વીટ કરી ઉત્તરપ્રદેશ સરકાર પર નિશાન સાધ્યું છે.




હાથરસ ઘટનાને લઈ રાહુલ ગાંધીએ ફરી એકવાર ટ્વીટ કર્યું છે. તેમણે સરકાર પર નિશાન સાધતા કહ્યું, સરકારનું વલણ અમાનવીય-અનૈતિક છે. સરકાર દ્વારા પીડિતના બદલે આરોપીઓની રક્ષા કરવામાં આવી રહી છે. તેમજ રાહુલે દેશમાં મહિલાઓ પર અત્યાચાર મુદ્દે એકજૂટ થવા અપીલ કરી છે.

રાહુલ ગાંધીનું આ નિવેદન ત્યારે આવ્યું છે. જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટમાં તેની સુનવણી શરુ કરવામાં આવી રહી છે. આ પરિવારને સુરક્ષાની સાથે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ એક આરોપીએ દાવો કર્યો છે કે પીડિતાને તેના પરિવારે જ મારી નાંખી છે. આ ઓનર કિલિંગનો કેસ છે. તેમજ દાવો કરનાર આરોપી અને પીડિતા વચ્ચે મિત્રતાના સંબંધ હતા. એટલું જ નહીં આરોપી સતત પીડિતાના ભાઈ સાથે સંપર્કમાં પણ હતો.