નવી દિલ્હી: સેનાની પીઓકેમાં આતંકી લોન્ચ પેડ પર કાર્યવાહી બાદ હવે રક્ષા મંત્રી રાજનાથ સિંહે દેશને વિશ્વાસ આપ્યો છે કે જો દુશ્મન આંખ ઉઠાવી આપડી સામે જોશે તો આપણી સેનામાં એટલી તાકાત છે કે તે કોઈપણ હુમલાનો જડબાતોડ જવાબ આપી શકે. રાજનાથ સિંહનું આ નિવેદન પાકિસ્તાનના મંત્રીની એ ધમકી બાદ આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે હવે તોપ અને ટેન્કોથી પાંરપરિક યુદ્ધ નહી થાય પરંતુ પરમાણુ યુદ્ધ થશે. રાજનાથ સિંહે કહ્યું, આપણા દેશના જાંબાઝ જવાનો પાસે ક્ષમતા છે કે તે ભારત પર ખરાબ નજર નાંખનારાઓને જડબાતોડ જવાબ આપી શકે.


પોતાના વિચિત્ર નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેનારા પાકિસ્તાનના રેલવેપ્રધાન શેખ રશીદે એક પ્રેસ કોન્ફરન્સમાં શેખી મારી હતી કે હવે એવું યુદ્ધ નહીં થાય કે જેમાં 4-6 દિવસ સુધી ટેંક અને તોપ ચાલે. ફાઇટર જેટ અને નેવી સામસામા ગોળા ફેંકે. પરંતુ હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધું જ પરમાણુ યુદ્ધ થશે.

શેખ રશીદ આ પહેલા પણ ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી ચૂક્યા છે. કેટલાક દિવસો પહેલા તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન પાસે સવાસો ગ્રામ અને અઢીસો ગ્રામના પણ પરમાણુ બોંબ છે. જે કોઇ ખાસ ટાર્ગેટ પર વાર કરી શકે છે.