Zorawar Light Tank: સંરક્ષણ મંત્રાલય આ સપ્તાહના અંતમાં યોજાનારી બેઠકમાં ચીન સરહદ પર તૈનાત માટે લાઇટ વેટ ટેન્ક પર સેનાના એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પર ચર્ચા કરવા જઈ રહ્યું છે. સરકારી સૂત્રોએ ANIને જણાવ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા હેઠળ આમાંથી 354 ટેન્ક ખરીદવાના પ્રસ્તાવ પર સંરક્ષણ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ભારતીય સેનાએ તેની ભાવિ લાઇટ ટેન્ક માટે સ્પેસિફિકેશન્સ જાહેર કર્યા છે જેને 'જોરાવર' નામ આપવામાં આવ્યું છે.






આ હળવા ટેન્કોનું નામ જનરલ જોરાવરના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે તિબેટમાં ઘણી સફળ જીતનું નેતૃત્વ કર્યું હતું, જે ભાગ હવે ચીની સેના દ્વારા નિયંત્રિત છે. સૈન્યના અધિકારીઓએ જણાવ્યું હતું કે, "લાઇટ ટેન્ક મેદાની વિસ્તારો, રણ, ઊંચાઈવાળા વિસ્તારો, સરહદી વિસ્તારો અને ટાપુ વિસ્તારો સાથે તમામ કટોકટીમાં સેનાને મદદ કરશે.






જોરાવરનું વજન માત્ર 25 ટન


વાસ્તવમાં ભારતીય સેના પાસે હાલમાં ઉપલબ્ધ ટેન્ક મેદાનો અને રણ માટે છે. પછી તે રશિયન T-72 હોય કે T-90 કે પછી સ્વદેશી અર્જુન ટેન્ક હોય. આ તમામ ટેન્ક 45-70 ટનની છે. જ્યારે પ્રોજેક્ટ જોરાવર હેઠળની લાઇટ ટેન્ક લગભગ 25 ટનની હશે. ચીનને અડીને આવેલા LAC પર તૈનાત કરવા માટે વિશ્વના સૌથી ઊંચા પાસ પરથી પસાર થવું પડે છે. આવી સ્થિતિમાં, T-72 અને અન્ય ભારે ટેન્ક માટે LAC સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલી છે. આ જ કારણ છે કે ભારતીય સેના લાઇટ ટેન્ક લેવા માંગે છે.


પ્રોજેક્ટ જોરાવર હેઠળ હળવા ટેન્કમાં ભારે ટેન્કની જેમ જ ફાયર પાવર હશે અને તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)થી સજ્જ ડ્રોનથી પણ સજ્જ હશે. આ લાઇટ ટેન્ક ઊંચા પર્વતોથી પસાર થઈ શકે છે. નોંધનીય છે કે ચીને પૂર્વી લદ્દાખને અડીને આવેલા LAC પર પહેલાથી જ લાઇટ ટેન્ક તૈનાત કરી દીધી છે. ભારતીય સેનાએ અહીં T-72 ટેન્ક પણ તૈનાત કરી છે. હવે ઝડપી ગતિવિધિ માટે ભારતીય સેના જોરાવર પ્રોજેક્ટ હેઠળ લાઇટ ટેન્ક લેવા માંગે છે.