નવી દિલ્હી: લખનઉમાં 5 ફેબ્રુઆરીથી ડિફેન્સ એક્સપો શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં એન્ટી- સેટેલાઈટ, અસૈટ મિસાઈલ, સ્વદેશી ફાઈટર જેટ એલસીએ તેજસ અને એલસીએચ હેલિકોપ્ટર મુખ્ય આકર્ષણ રહેશે. એશિયાના સૌથી મોટા રક્ષા પ્રદર્શનમાં દેશ-વિદેશની લગભગ એક હજારથી વધુ કંપનીઓ ભાગ લઈ રહી છે.


ડિફેન્સ એક્સપોમાં સરકારી સંસ્થા ડીઆરડીઓ અને એચએએલ મુખ્ય કંપનીઓ તરીકે ભાગ લઈ રહી છે અને સૌથી વધુ હથિયાર, લડાકુ વિમાન, હેલિકૉપ્ટર અને અન્ય સૈન્યના ઉપકરણો આ બન્ને કંપનીઓના છે. આ વખતે ડિફેન્સ એક્સપો થીમ ‘ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઓફ ડિફેન્સ’ પર આધારિત છે.

રક્ષા મંત્રાલય અનુસાર, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઈઝેશન તરફથી પાંચસો ટેક્ટિકલ અને સ્ટ્રેટેજિક હથિયારોનું પ્રદર્શન કરવામાં આવશે.

ડીઆરડીઓ દ્વારા આ વખતે એન્ટી સેટેલાઈટ મિસાઈલ, એસૈટને દુનિયા સામે પ્રદર્શન કરવામાં આવશે. હિંદુન્તાન એરોનોટિક્સ લિમિટેડ તરફથી પહેલીવાર ડિફેન્સ એક્સપોના ટર્મેક પર એલસીએ-માર્ક 2 ફાઈટર જેટ જોવા મળશે. આ લડાકુ વિમાન તેજસનું એડવાન્સ વર્ઝન છે અને હાલમાં એચએએલની બેંગલુરુ સ્થિત ફેસેલિટીમાં બની રહ્યું છે.

આ સિવાય રાફેલ ફાઈટર જેટની મિટ્યોર અને સ્કેલ્પ મિસાઈલ બનાવનારી યૂરોપિયન કંપની, એમબીડીએ પણ ડિફેન્સ એક્સપોમાં પોતાની મિસાઈલ પ્રદર્શન કરશે.