નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ચાર દિવસ જ બાકી રહ્યા છે. મતદાન પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપને પડકાર ફેંક્યો છે. કેજરીવાલે કહ્યું, જો ભાજપ તેમના સીએમ પદના ઉમેદવાર જાહેર કરશે તો હું તેની સાથે લાઇવ ચર્ચા કરવા પણ તૈયાર છું.

શું કહ્યું કેજરીવાલે

ઘોષણાપત્ર જાહેર કરતી વખતે કેજરીવાલે કહ્યું, હું ભાજપને બુધવાર બપોરે એક વાગ્યા સુધીમાં તેમના સીએમ પદના ઉમેદવાર જાહેર કરવાનો પડકાર ફેંકુ છું. જો બીજેપી તેના સીએમ પદના ઉમેદવારની જાહેરાત કરશે તો હું તેમની સાથે ચર્ચા કરવા પણ તૈયાર છું.


ભાજપ પીએમ મોદીના ચહેરા પર લડી રહી છે ચૂંટણી

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ગુરુવારે સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે મુખ્ય મુકાબલો માનવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી સીએમ કેજરીવાલના ચહેરા પર ચૂંટણી લડી રહી છે, જ્યારે ભાજપે પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી લડવાનો ફેંસલો કર્યો છે. જ્યારે કોંગ્રેસે પણ કોઈ ચહેરા વગર ચૂંટણી મેદાનમાં ઉતરવાનો ફેંસલો લીધો છે.

11 ફેબ્રુઆરીએ જાહેર થશે પરિણામ

દિલ્હીની કુલ 70 સીટો પર 8 ફેબ્રુઆરી, 2020ના રોજ વોટિંગ થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. આ વખતે દિલ્હીમાં કુલ 1,46,92,136 વોટર્સ મતાધિકારનો ઉપયોગ કરશે. 13750 પોલિંગ સ્ટેશન બનાવાશે અને 2689 સ્થળ પર વોટિંગ થશે. 90 હજાર કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થશે.

2015માં AAPને મળી 67 સીટ

ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી, જ્યારે ભાજપ માત્ર ત્રણ સીટ જ જીતી શક્યું હતું. 15 વર્ષ સુધી દિલ્હીમાં સત્તામાં રહેલી કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી. 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 54 ટકા, બીજેપીને 32 ટકા અને કોંગ્રેસને 10 ટકા વોટ મળ્યા હતા.

લોકસભા 2019માં ભાજપે મારી બાજી

2019ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપે તમામ સાત સીટો પર વિજય મેળવ્યો હતો. 2019 લોકસભા ચૂંટણીમાં મળેલા વોટ શેરના આધારે ભાજપને 65 અને કોંગ્રેસને 5 સીટ મળી શકે છે. આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થતાં નજરે પડે છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 56 ટકા, કોંગ્રેસને 22.5 ટકા અને આમ આદમી પાર્ટીને 18.1 ટકા વોટ મળ્યા હતા.

ન્યૂઝીલેન્ડ સામે T-20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનારા આ ખેલાડીને ટેસ્ટ ટીમમાં ન મળ્યું સ્થાન, જાણો વિગત

IND v NZ: આવતીકાલે પ્રથમ વન ડે, આ 11 ખેલાડી સાથે મેદાનમાં ઉતરી શકે છે કોહલી