નવી દિલ્હી: દિલ્હી વિધાનસભામાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને મળેલો ‘ભારત રત્ન’ પુરસ્કાર પરત લેવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. વિધાનસભામાં એક ધારાસભ્ય તરફથી રજૂ કરવામાં આવેલા આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે રાજીવ ગાંધી 1984 શીખ દંગાની ઘટનાના જવાબદાર હતા જેથી તેમની પાસેથી ભારત રત્ન પરત લઇ લેવો જોઈએ.


દિલ્હી વિધાનસભામાં આજે 1984 શીખ દંગાની પીડિતોને ન્યાય આપવવા માટે એક પ્રસ્તાવ બહુમતથી પાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવના ત્રણ મહત્વપૂર્ણ મુદ્દા એ હતા કે, 1984માં શીખોને શોધી શોધીને ટાયરોથી સળગાવી દેવામાં આવ્યા હતા. તેઓની જાહેરમાં હત્યા કરી નાખી, એવામાં દંગા શબ્દનો ઉપયોગ આ સમગ્ર ઘટનાને નાની બનાવે છે. જેથી હવેથી ‘દંગા’ શબ્દની જગ્યાએ નરસંહાર શબ્દનો ઉપયોગ કરવામાં આવે. બીજો મુદ્દો દિલ્હી સરકાર દંગાથી પીડિતોને ન્યાય આપવા માટે ગૃહ મંત્રાલય પર દબાણ બનાવે.

ત્રીજો મુદ્દો, 1984 શીખ દંગાનો ઉલ્લેખક કરતા ધારાસભ્યએ કહ્યું કે, “ શીખ દંગા વખતે વડાપ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતું કે જ્યારે કોઈ મોટું વૃક્ષ પડે છે ત્યારે ધરતી હલી જાય છે. તેના આ નિવેદન બાદ શીખો પર જે રીતે અત્યાચાર થયો તેને જોતા અમે માનીએ છે કે આ ઘટનાક્રમ પાછળ રાજીવ ગાંધી જવાબદાર છે. તેથી દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન પરત લેવાની માંગ સરકાર પાસે કરે છે અને તેના માટે આ પ્રસ્તાવ પાસ કરીએ છે”

આ પ્રસ્તાવ પર દિલ્હી કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય માકને કહ્યું કે, રાજીવ ગાંધીએ દેશ માટે પોતાનું જીવન કુર્બાન કર્યું. પરંતુ આ પ્રસ્તાવથી આમ આદમી પાર્ટીનો અસલી રંગ ખુલીને સામે આવી ગયો છે. અમે હંમેશા એવું કહી રહ્યાં હતા કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે.
જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રવક્તા અને ધારાસભ્ય ભારદ્વાજે ટ્વીટ કરી આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ‘આ પ્રસ્તાવ પાસ નથી થયો. આ વ્યક્તિગત રીતે રજૂ કરવામાં આવેલો પ્રસ્તાવ હતો. જેના પર હજું કોઈજ નિર્ણય લેવામાં આવ્યો નથી.’