નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સવારે આઠ વાગ્યાથી વિધાનસભાની તમામ 70 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મત આપવા માટે મતદાન કેંદ્રો પર પહોંચ્યા છે. મતદાન માટે તમામ રાજકીય નેતાઓ લોકોને અપીલ કરી રહ્યા છે. મતદાન શરૂ થતા જ અરવિંદ કેજરીવાલે વિવાદીત અપીલ કરી છે. અરવિંદ કેજરીવાલે 'મહિલાઓને અપીલ કરી છે કે મતદાન કરતા પહેલા મહિલાઓ પુરૂષો સાથે ચર્ચા જરૂર કરે કે કોને મત આપવો યોગ્ય છે.'


અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું, 'મતદાન કરવા જરૂર જશો. તમામ મહિલાઓને ખાસ અપીલ, જેવી રીતે તમે ઘરની જવાબદારી ઉઠાવો છો, એવી જ રીતે દેશ અને દિલ્હીની જવાબદારી પણ તમારા ખભા પર છે. તમે તમામ મહિલાઓ મતદાન કરવા જરૂર જાઓ અને પોતાના ઘરના પુરૂષોને પણ લઈ જજો, પુરૂષો સાથે ચર્ચા જરૂર કરજો કે કોને મત આપવો યોગ્ય રહેશે.'

મનીષ સિસોદિયાએ ટ્વિટ કરી કહ્યું લોકતંત્રના આ મહાપર્વ પર દિલ્હીવાસીઓને શુભકામનાઓ. આજે સાચા મનથી બાળકોના સારા અભ્યાસ માટે મતદાન કરો. ઝાડુ પર મતદાન કરો.

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણીપંચે ખાસ તૈયારીઓ કરી છે. દિવ્યાંગ મતદારોને ઘરેથી લાવવામાં આવશે અને પરત ઘરે છોડવામાં આવશે. મતદાન માટે 13 હજાર 750 મતદાન કેંદ્ર બનાવવામાં આવ્યા છે. 70 બેઠકો પર 672 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 148 અપક્ષ ઉમેદવાર છે.