Delhi Assembly Election Result 2025:  27 વર્ષ બાદ દેશની રાજધાની દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર બનવા જઈ રહી છે. દિલ્હીમાં ભાજપે 70માંથી 48 બેઠકો જીતી હતી, જ્યારે AAPને માત્ર 22 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. આ દરમિયાન ભાજપે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.


દિલ્હીમાં સરકારની રચનાને લઈને ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જેપી નડ્ડા, બૈજયંત પાંડા અને બીએલ સંતોષ પણ હાજર હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અને મંત્રી પદ માટેના નામો પર ચર્ચા થઈ હતી.


ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવા ધારાસભ્યોને મળશે


IANS અનુસાર, દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા આજે સાંજે તમામ જીતેલા ધારાસભ્યોને મળશે. આ દરમિયાન તેઓ બધાને અભિનંદન આપશે અને સરકારની રચનાને લઈને પણ ચર્ચા થવાની સંભાવના છે. આ પહેલા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ શનિવારે સાંજે ભાજપ કાર્યાલયમાં પીએમ મોદી, જેપી નડ્ડા, અમિત શાહ સાથે શપથ ગ્રહણ અને દિલ્હીમાં સરકારની રૂપરેખા અંગે ચર્ચા થઈ હતી.


સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન મોદી તેમના વિદેશ પ્રવાસ પરથી પરત ફર્યા બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે. પીએમ મોદી 14 ફેબ્રુઆરીની રાત્રે પરત ફરશે. આ પછી જ શપથવિધિ દિલ્હીમાં થઈ શકશે. આ શપથ ગ્રહણ સમારોહ ભવ્ય હશે. એનડીએ નેતાઓ આમાં ભાગ લે તેવી અપેક્ષા છે. આ સિવાય એનડીએ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ બોલાવવામાં આવશે.


આતિશીએ પોતાનું રાજીનામું સોંપ્યું


દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) ની કારમી હારના એક દિવસ પછી રવિવારે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે આતિશીએ રાજ નિવાસમાં સક્સેનાને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો  પરંતુ આતિશી પોતાની કાલકાજી સીટ બચાવવામાં સફળ રહ્યા હતા.  


ભાજપની જીતના મુખ્ય પાંચ કારણો


મોદીની ગેરંટી... હું દિલ્હીને સુંદર બનાવીશ


મહિલા દિવસ પહેલા મહિલાઓના ખાતામાં 2,500 રૂપિયા આપવાની જાહેરાત


આવકવેરામાં રાહત અને કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની જાહેરાત


છ મહિના પહેલાથી ઝૂંપડપટ્ટીમાં ભાજપના નેતાઓનું જનસંપર્ક અભિયાન


AAP સરકારના ભ્રષ્ટાચારને ચૂંટણીનો મુદ્દો બનાવવામાં ભાજપ સફળ થયું


ભાજપે અહીં લીડ મેળવી હતી


અનુસૂચિત જાતિ અને મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકો સિવાયના તમામ ક્ષેત્રોમાં વિજય


ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ અને ગ્રામ્ય વિસ્તારોનો વિશ્વાસ મેળવ્યો, ફાયદો થયો


મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગમાં પણ પાર્ટીને જબરદસ્ત લાભ મળ્યો.


કોંગ્રેસે પણ AAPને પહોંચાડ્યું નુકસાન