નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની તમામ 70 બેઠકો પર આજે સવારના 8 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. 11 વાગ્યા સુધીમાં 6.96 ટકા મતદાન થયું છે. આ દરમિયાન, રિપોર્ટ્સ આવ્યા છે કે ચૂંટણીની ફરજ પર એક અધિકારીનું મોત થયું છે. ચૂંટણી અધિકારી ઉધમસિંહનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે.


ચૂંટણી અધિકારીને હાર્ટ એટેક આવ્યા બાદ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઉધમસિંહ બાબરપુર પ્રાથમિક શાળાના મતદાન મથક પર ફરજ બજાવતા હતા.

દિલ્હીમાં સવારથી જ મતદારો મતદાન કરવા માટે ઉત્સાહિત છે. શાહીન બાગની શાહીન પબ્લિક સ્કૂલના મતદાન મથક ઉપર લાંબી કતારો લાગી છે. ચૂંટણી પંચે દિલ્હીમાં વરિષ્ઠ નાગરિક મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરી છે. વરિષ્ઠ નાગરિક મતદારોની મદદ માટે પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હીમાં સાંજના છ વાગ્યા સુધીમાં મતદાન થશે.

દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, અરવિંદ કેજરીવાલ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું હતું.