નવી દિલ્હીઃ દિલ્હીની એક કોર્ટે દિલ્હી વિધાનસભાના સ્પીકર રામ નિવાસ ગોયલે એક બિલ્ડરના ઘરમાં જબરદસ્તીપૂર્વક ઘૂસવા મામલામાં છ મહિનાની જેલની સજા સંભળાવી છે. કોર્ટે ગયા શુક્રવારે ગોયલને આ મામલામાં દોષિત ઠેરવ્યા હતા. આ ઘટના છ ફેબ્રુઆરી 2015ની રાતની છે. એડિશનલ મુખ્ય મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ સમર વિશાલે ગોયલ અને ચાર અન્યને આ મામલામાં દોષિત ઠેરવતા કહ્યુ હતું કે, તેમના વિરુદ્ધ મામલો શંકાથી પર સાબિત થયો છે. કોર્ટે કહ્યું કે, રામ નિવાસ ગોયલ, સુમિત ગોયલ, હિતેશ ખન્ના, અતુલ ગુપ્તા અને બલબીર સિંહને આઇપીસીની કલમ 448 હેઠળ દોષિત ઠેરવી શકાય છે.
કોર્ટે આજે ગોયલને છ મહિનાની કારાવાસની સજા સંભળાવી હતી. નોંધનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી અગાઉ છ ફેબ્રુઆરી 2015ના રોજ સ્થાનિક બિલ્ડર મનીષ ઘાઇના વિવેક વિહાર સ્થિત ઘર ગોયલ પોતાના સમર્થકો સાથે બળજબરીપૂર્વક ઘૂસ્યા હતા. ઘાઇએ આરોપ લગાવ્યો હતો કે તેમના મકાનની અંદર તોડફોટ કરવામાં આવી હતી. એફઆઇઆર અનુસાર, ગોયલે ઘાઇ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે ચૂંટણી અગાઉ લોકો વચ્ચે વહેંચવા દારૂ અને ધાબળા અને અન્ય ચીજો છૂપાવી રાખી હતી. બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓએ આ દાવાઓને ફગાવી કહ્યુ હતું કે, તે લોકો આ અંગે પીસીઆરને ફોન કર્યા બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને મદદનીશ પોલીસ કમિશનર સહિત પોલીસની એક ટીમની સાથે મકાનમાં ગયા હતા.