CLAIM


તસવીરમાં હળવા વરસાદ બાદ દિલ્હીના રસ્તાઓની સ્થિતિ જોઇ શકાય છે.


 FACT CHECK


બૂમે પોતાના ફેક્ટ ચેકમાં જાણ્યું કે વરસાદ બાદ દિલ્હીના રસ્તાઓની ખરાબ સ્થિતિના દાવાની વાયરલ તસવીર એડિટેડ છે.


દિલ્હી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP) એ આમ આદમી પાર્ટીને નિશાન બનાવતા જર્જરિત રસ્તાની એક એડિટેડ તસવીર શેર કરી છે. આ સાથે એવો દાવો કરવામાં આવ્યો હતો કે થોડા વરસાદ બાદ દિલ્હીના રસ્તાઓની હાલત જુઓ.


નોંધનીય છે કે 27 ડિસેમ્બર 2024ના રોજ દેશની રાજધાની દિલ્હીમાં વરસાદ પડ્યો હતો અને તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ દરમિયાન બીજેપી દિલ્હીએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે જેમાં એક બાઇક સવાર રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે, તે રસ્તા પર ઘણા ખાડાઓ છે.


બૂમને જાણવા મળ્યું કે વાયરલ ફોટો એડિટેડ છે. મૂળ ફોટો 30 સપ્ટેમ્બર, 2024ના રોજ ગેટી ઈમેજીસ વેબસાઈટ પર શેર કરવામાં આવ્યો હતો, જેમાં વાયરલ ફોટોની જેમ ખાડાઓ નહોતા.


વાયરલ તસવીરની ટોચ પર લખવામાં આવ્યું છે કે, 'આપનું જૂઠાણુ લંડન-પેરિસ જેવા રસ્તા, દિલ્હીનું સત્ય રસ્તાઓ પર ખાડા છે.' તસવીરમાં ભાજપના ચૂંટણી ચિન્હની સાથે નીચે લખેલું છે, 'હવે અમે સહન નહીં કરીએ, બદલીને રહીશું.'




પોસ્ટની આર્કાઇવ લિંક


BJP IT સેલના વડા અમિત માલવિયાએ પણ પોતાના એક્સ એકાઉન્ટ પર આ દાવા સાથે એડિટેડ તસવીરને પોસ્ટ કરી છે.




પોસ્ટની આર્કાઇવ લિંક.


ફેક્ટ ચેક


વાયરલ તસવીરનું સત્ય જાણવા માટે અમે બાઇકસવારની કીફ્રેમની રિવર્સ ઇમેજ સર્ચ કરી હતી. આના મારફતે ફોટો સ્ટોક વેબસાઇટ ગેટી ઇમેજ પર અમને 30 સપ્ટેમ્બર, 2024ના રોજ અપલોડ કરવામાં આવેલી મૂળ તસવીર મળી હતી. અમને જાણવા મળ્યું કે આ તસવીરમાં રસ્તા પર વાયરલ તસવીર જેવા ખાડા નથી.




ગેટી ઈમેજીસ અનુસાર, આ તસવીર 30 સપ્ટેમ્બર 2024ના રોજ પત્રકાર સંચિત ખન્નાએ ક્લિક કરી છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી પીડબલ્યુડીના અધિકારીઓ સાથે કાલકાજીમાં સ્થિત આઉટર રિંગ રોડ પાસેના રસ્તાઓનું નિરીક્ષણ કરવા આવ્યા હતા.


નિરીક્ષણ દરમિયાન NSIC કોમ્પ્લેક્સ પાસેના રસ્તા પર ખાડાઓ જોવા મળ્યા હતા. આતિશીએ રસ્તાઓનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને દિવાળી સુધીમાં દિલ્હીને ખાડામુક્ત બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે, ખાડાઓ સિવાય વાયરલ તસવીર અને મૂળ તસવીર વચ્ચે કેટલાક અન્ય તફાવતો છે. પરંતુ સ્પષ્ટ છે કે આ તસવીરને એડિટ કરીને વાયરલ તસવીર બનાવવામાં આવી છે.




ગેટી ઈમેજીસ વેબસાઈટ પર આતિશી દ્વારા કરવામાં આવેલા આ ઈન્સ્પેક્શનના વધુ ફોટા છે. સમાન માર્ગ અને બ્રેકગ્રાઉન્ડ ધરાવતી એક અન્ય તસવીર જુઓ નીચે.




30 સપ્ટેમ્બર, 2024ના ન્યૂઝ 18 અને એનડીટીવીના અહેવાલ મુજબ, સીએમ આતિશીના નેતૃત્વમાં દિલ્હીના કેબિનેટ મંત્રીઓ અને પીડબલ્યુડી અધિકારીઓએ શહેરના ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ પછી આતિશીએ દિવાળી સુધીમાં દિલ્હીના રસ્તાઓને ખાડામુક્ત બનાવવા માટે રિપેરિંગ કામ શરૂ કરવાની સૂચના આપી હતી.



(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક BOOMએ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેક્ટમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)