Weather Update: ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે 4 જાન્યુઆરીથી ઉત્તર ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે. આ સાથે આગામી 2-3 દિવસ સુધી ગાઢ ધુમ્મસ અને ઠંડા દિવસોની સ્થિતિ પણ યથાવત રહેશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે?
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક હવામાનશાસ્ત્રીય ઘટના છે જે ભૂમધ્ય સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનોને કારણે થાય છે. આના કારણે ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગોમાં શિયાળા દરમિયાન હિમવર્ષા અને વરસાદ થાય છે.
હવામાનની આગાહીની વિગતો:
- 1 થી 3 જાન્યુઆરી: પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હિમવર્ષા અને હળવો વરસાદ થઈ શકે છે.
- 4 અને 5 જાન્યુઆરી: વ્યાપક વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લઘુત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેનાથી ઠંડીમાં થોડી રાહત મળી શકે છે.
- આગામી બે-ત્રણ દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં દિવસ દરમિયાન ઠંડી અને ગાઢ ધુમ્મસની સંભાવના છે.
- જમ્મુ-કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં હજુ પણ કોલ્ડવેવની સ્થિતિ યથાવત છે.
કયા રાજ્યોમાં અસર થશે?
હવામાનશાસ્ત્રીઓના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મુખ્યત્વે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં જોવા મળશે. આ સાથે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે.
ઠંડીમાં રાહત
IMDના વૈજ્ઞાનિક સોમા સેન રોયે કહ્યું કે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઠંડીમાં થોડી રાહત મળી શકે છે, કારણ કે લઘુત્તમ તાપમાનમાં વધારો થવાથી ઠંડીની તીવ્રતા ઘટશે.
આગામી ત્રણ દિવસની સ્થિતિ
31 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની શક્યતા છે. જ્યારે પંજાબ, ચંદીગઢ અને હરિયાણામાં શીત લહેર રહેશે. આસામ અને મેઘાલયમાં પણ ગાઢ ધુમ્મસ રહેશે.
1 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં શીત લહેર આવશે. હિમાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ગાઢ ધુમ્મસ રહેશે.
પંજાબ-હરિયાણા અને રાજસ્થાનમાં 2 જાન્યુઆરીએ પણ કોલ્ડવેવની અસર ચાલુ રહેશે. ગાઢ ધુમ્મસ ઘટશે. ઉત્તર પશ્ચિમ તરફથી આવતા પવનો જોરદાર રહેશે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘટવાની ધારણા છે.
ગુજરાતમાં આગાહી
ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જેના કારણે રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે અમદાવાદમાં 13.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જ્યારે નલિયામાં સૌથી ઓછું 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રમાં તાપમાનમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે, જેના કારણે ઠંડીમાં થોડો ઘટાડો થયો છે. જો કે, ઉત્તર ગુજરાતમાં ઠંડીનું મોજું યથાવત છે. ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાના કારણે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ રહી શકે છે.