નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં બેડને લઈ ખોટી જાણકારી આપતી હોસ્પિટલના સત્તાધીશોને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું, કોરોનાના શંકાસ્પદ દર્દીને હોસ્પિટલ દાખલ કરવાની ના પાડી શકે નહીં.

કેજરીવાલે કહ્યું, આવી મહામારીના સમયમાં મોટાભાગની હોસ્પિટલ લોકોની સેવા કરી રહી છે પરંતુ બે ચાર એવી હોસ્પિટલ પણ છે જે કોવિડ-19 દર્દીને એડમિટ કરવાની ના પાડે છે. હું એવા લોકોને ચેતવણી આપું છું કે જે અન્ય પક્ષોના તેમના રક્ષકના પ્રભાવનો ઉપયોગ કરીને બેડના બ્લેક માર્કેટિંગ કરવામાં સફળ નહીં થાય. આવા લોકોને છોડવામાં નહીં આવે.


કેજરીવાલે જણાવ્યું, અમે બેડના કાળાબજાર થતાં રોકવા એક મોબાઈલ એપ લોન્ચ કરી. અમે હોસ્પિટલોમાં બેડ અને વેંટિલેટરની સંખ્યા પારદર્શી બનાવવા અંગે વિચાર્યું. જેના પર હંગામો કરવામાં આવ્યો. દિલ્હીની હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડ અને વેંટિલેટરની જાણકારી લોકો સુધી પહોંચે તે માટે એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપને સવારે 10 વાગે અને સાંજે 6 વાગે અપડેટ કરાશે.


દેશમાં કોરોના સંક્રમિત રાજ્યોમાં દિલ્હી ત્રીજા ક્રમે છે. દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 26,334 પર પહોંચી છે અને 700થી વધારે લોકોના મોત થયા છે.