નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન કેજરીવાલ સરકારે હોમ ક્વોરન્ટાઈન લોકોને ઓક્સિજન પલ્સ મીટર આપવાનો ફેંસલો કર્યો છે. સીએમ કેજરીવાલે કહ્યું કે, આજે આપણે ચીન સામે બે યુદ્ધ લડી રહ્યા છીએ. ભારત-ચીન બોર્ડર પર અને ચીનથી આવેલા કોરોના વાયરસ સામે. આ બંનેમાં આપણે વિજયી થઈશું.



કેજરીવાલે કહ્યું, છેલ્લા થોડા દિવસોથી અમે ટેસ્ટિંગ ત્રણ ગણા કરી દીધા છે. પહેલા આશરે 5000 ટેસ્ટ દરરોજ થતાં હતા, હવે અંદાજે 18,000 ટેસ્ટ રોજ કરવામાં આવી રહ્યા છે. જેટલા હોમ ક્વોરન્ટાઈનના કેસ હશે દિલ્હી સરકાર તેમને એક ઓક્સીપલ્સ મીટર આપશે. જો આવા લોકોને ખબર પડે કે તેમનું ઓક્સીજન લેવલ ઘટી ગયું છે તો તરત જ હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકે છે. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવશે. તમે પલ્સ મીટરને ઘરે જ રાખજો, ઠીક થયા બાદ સરકારને પરત કરી દેજો.



તેમણે એમ પણ કહ્યું કે, અમે યુદ્ધના ધોરણે કોરોના બેડની વ્યવસ્થા કરી છે. દિલ્હીમાં હાલના સમયે આશરે 7000 બેડ ખાલી છે. છેલ્લા 10 દિવસમાં 900 બેડ ભરાયા છે, જ્યારે તેનાથી ઘણા વધારે નવા દર્દીઓ આવ્યા છે. નવા કેસમાં સીરિયસ કેસ ઓછા છે, જેમને હોસ્પિટલની જરૂર નથી. કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર કોરોના પર કાબુ મેળવવા કામ કરી રહી છે. આ રાજનીતિ કરવાનો સમય નથી, જો પરસ્પર લડીશું તો કોરોના જીતી જશે.



આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે, દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 59,746 પર પહોંચી છે. 2,175 લોકોના મોત થયા છે અને 33,013 લોકો ઠીક થઈ ગયા છે. હાલ 24,558 એક્ટિવ કેસ છે.

હું ક્રિકેટર છું, રાજનેતા નહીં, સાનિયા મિર્ઝા સાથે લગ્નને લઈ શોએબ મલિકે જણાવી અનેક મહત્વની વાતો