નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીમાં બે જૂથ વચ્ચે હિંસક પ્રદર્શન થયા હતા. ઉત્તર-પૂર્વી દિલ્હીમાં પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાએ પથ્થરમારો કર્યો હતો અને વાહનોમાં આગ લગાવી હતી. પોલીસે ભીડને કાબુમાં કરવા ટીયર ગેસ છોડવા પડ્યા હતા. આ દરમિયાન પથ્થમારામાં પોલીસ હેડ કોન્સ્ટેબલનું મોત થયું છે. જ્યારે ડીસીપી ઈજાગ્રસ્ત થયા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં શાંતિ વ્યવસ્થા સ્થાપિત કરાવવા માટે અપીલ કરી છે.


મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને તેમણે કહ્યું કે, દિલ્હીમાં શાંતિ અને સદભાવ બનેલા રહે તેના માટે કોઈને કાયદો હાથમાં લેવાની મંજૂરી ન આપવી જોઈએ. ઉપમુખ્યમંત્રી સીએમ મનીષ સિસોદિયાએ પણ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. ટ્વીટર પર તેમણે કહ્યું કે, તમામ દિલ્હીવાસીઓને અપીલ છે કે શાંતિ જાળવી રાખે. હિંસામાં બધાનું નુકસાન જ છે.


કેબિનેટ મંત્રી ગોપાલ રાયે પણ લોકોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે, બાબારપુર વિધાનસભાએ તમામ લોકોને હાથ જોડીને વિનંતી કરી છે કે, શાંતિ જાળવી રાખો. કેટલાક લોકો જાણી જોઈને તણાવ અને દહેશતનો માહોલ ઉભો કરીને સ્થિતિ બગાડવા ઈચ્છે છે. ગોપાલ રાયે ટ્વીટર પર જણાવ્યું કે, તેમણે હિંસા મામલે ઉપરાજ્યપાલ સાથે વાત કરી છે.

દિલ્હીમાં સીએએને લઈને થયેલું પ્રદર્શન હિંસક બની ગયું છે. સીએએ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો અને સમર્થકો આમને-સામને આવી ગયા હતા. આ દરમિયાન એક વ્યક્તિ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એક હેડ કોન્સ્ટેબલનું મોત થયું છે.