નવી દિલ્હીઃ જામિયા વહીવટીતંત્રે દિલ્હી પોલીસ વિરુદ્ઘ એફઆઇઆર દાખલ કરવા માટે બુધવારે સાકેત કોર્ટમાં અરજી કરી હતી. દિલ્હી પોલીસ પર 15 ડિસેમ્બરના રોજ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં ગેરકાયદેસર પ્રવેશ અને સંપત્તિને નુકસાન પહોચાડવાનો આરોપ છે. યુનિવર્સિટી વહીવટીતંત્રએ સાકેત કોર્ટમાં અરજી દાખલ કરીને પોલીસ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાની માંગ કરી છે. જામિયા વહીવટીતંત્રની અરજી પર સુનાવણી કરતા સાકેત કોર્ટે દિલ્હી પોલીસને એક્શન ટેકન રિપોર્ટ દાખલ કરવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે પોલીસને 16 માર્ચ સુધી રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે.


જએમઆઇયુ વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ 15 ડિસેમ્બર 2019ના રોજ દિલ્હીના જામિયા નગરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતુ. ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં પોલીસ સાથે અથડામણ બાદ પ્રદર્શનકારીઓએ ચાર બસો અને બે પોલીસ વાહનો સળગાવ્યા હતા. બાદમાં પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો અને યુનિવર્સિટી પરિસરમાં પ્રવેશ કરી ભીડને વિખેરવા માટે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. પોલીસે હિંસામાં કથિત રીતે સામેલ લોકોની અટકાયત કરી હતી. પોલીસ પર આરોપ છે કે તે પરમિશન વિના યુનિવર્સિટી પરિસરમાં પ્રવેશ કર્યો હતો.