Brij Bhushan Singh: મહિલા રેસલર્સના કથિત જાતીય શોષણ મામલે કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ અને બીજેપી નેતા બ્રિજ ભૂષણ શરણ સિંહને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે બ્રિજ ભૂષણ સામે આરોપ ઘડવાનો આદેશ આપ્યો છે. આ સાથે બ્રિજ ભૂષણના સચિવ વિનોદ તોમર સામે આરોપો ઘડવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.
રાઉઝ એવન્યુ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પ્રિયંકા રાજપૂતે આ આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે બ્રિજ ભૂષણ સામે આરોપ ઘડવા માટે પૂરતા પુરાવા છે. બ્રિજ ભૂષણ વિરુદ્ધ કલમ 354 (કોઇ મહિલાની ગરીમાને ઠેસ પહોંચાડવાના ઇરાદા સાથે તેના પર હુમલો અથવા ફોજદારી બળ), 354-A (જાતીય સતામણી) અને કલમ 506 (ગુનાહિત ધમકી) હેઠળ આરોપો ઘડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું કે વિનોદ તોમર વિરુદ્ધ કલમ 506(1) હેઠળ આરોપો ઘડવા માટેના પુરતા પુરાવા છે.
6 મહિલા રેસલર્સે યૌન શોષણના આરોપ લગાવ્યા હતા
15 જૂન, 2023ના રોજ દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ સામે કલમ 354, 354-A (જાતીય સતામણી), 354-D (પીછો કરવો) અને કલમ 506 (ગુનાહિત ધમકી) હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. ભાજપના સાંસદ પર છ કુસ્તીબાજોએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તેમની ફરિયાદના આધારે પોલીસે બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ એફઆઇઆર નોંધી હતી.
નોંધનીય છે કે વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા વિનેશ ફોગાટ દેશ અને અન્ય બે કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીના આરોપો લગાવ્યા હતા અને તેમની સામે વિરોધ દર્શાવ્યો હતો. દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો પરંતુ જૂલાઈમાં બ્રિજ ભૂષણને સ્થાનિક કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.