નવી દિલ્હીઃ રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી શરઝીલ ઇમામને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. આ અગાઉ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ શરઝીલ ઇમામને લઇને સાકેત કોર્ટ પહોંચી હતી અને જજ સમક્ષ રજૂ કર્યો હતો. ડીસીપી રાજેશ દેવે કહ્યું કે, શરઝીલ ઇમામની પાંચ દિવસની પોલીસ રિમાન્ડ માંગી હતી. બિહારના જહાનાબાદથી ધરપકડ કરાયેલા શરઝીલ ઇમામને બુધવારે પટણાથી દિલ્હી લાવવામાં આવ્યો હતો. શરઝીલના જહાનાબાદ કોર્ટથી મંગળવારે દિલ્હી પોલીસે ટ્રાન્જિટ રિમાન્ડ લીધા હતા.


ડીસીપી રાજેશ દેવે કહ્યું કે, શરઝીલની પૂછપરછ માટે બાકી રાજ્યોની પોલીસની  ટીમ પણ દિલ્હી આવી શકે છે. તેમણે કહ્યું કે, ઇમામના રિમાન્ડ લેવાની જરૂરિયાત એટલા માટે પણ છે કારણ કે તેની લાંબી પૂછપરછ કરવી જરૂરી છે. સાથે તેના વિવાદીત અને ભડકાઉ ભાષણવાળા વીડિયોની સત્યતાની પુષ્ટી પણ તેની પાસે કરવાની છે. એ જાણવાનું છે કે શરઝીલ ઇમાનની પાછળ  કોણ કોણ છે.