દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. સિસોદિયાએ કહ્યું, તેમને કાશ્મીર ફાઇલ્સ પર પ્રેમ છે, અમે કાશ્મીરીઓને પ્રેમ કરીએ છીએ. અટલજી કે જગમોહનના સમયમાં જે કંઈ થયું તે ભૂતકાળની વાત છે. પરંતુ 8 વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે, છતાં કાશ્મીરી પંડિતોને શા માટે વિસ્થાપિત થઈને રહેવું પડે છે.
તેમણે વધુમાં કહ્યું કે, કાશ્મીરી પંડિતો ઈચ્છે છે કે દેશ તેમની પીડા સમજે પરંતુ તેઓ નથી ઈચ્છતા કે તેમનું દર્દ 200 કરોડમાં વેચાય. જો ફિલ્મે 200 કરોડની કમાણી કરી છે તો તેને યુટ્યુબ પર મુકી દો, જેથી ત્રિલોકપુરી અને કોંડલીમાં રહેતા સામાન્ય લોકો પણ તેમની પીડા સમજી શકે. ભાજપને કાશ્મીર ફાઈલ્સની ચિંતા છે અને અમને કાશ્મીરી પંડિતોની ચિંતા છે.
મનિષ સિસોદિયાએ બીજેપી પર પ્રહાર કરતાકહ્યું કે, તેઓ માત્ર કાશ્મીર ફાઈલ્સ અંગે બૂમો પાડી રહ્યા છે. ભાજપે આઠ વર્ષમાં કાશ્મીરી પંડિતો માટે શું કર્યું? કાશ્મીરી પંડિતોના મામલે ભાજપ સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. ફિલ્મે જે 200 કરોડ રૂપિયાની કમાણી કરી છે તે કાશ્મીર પંડિતોની કલ્યાણકારી સંસ્થાઓને આપવી જોઈએ. ભાજપે કાશ્મીરી પંડિતોના દર્દને 200 કરોડમાં વેચવાનું કામ કર્યું છે.
હું જાતે ફિલ્મ જોઈશઃ મનિષ સિસોદિયા
મનીષ સિસોદિયાએ વધુમાં કહ્યું કે, આ મુદ્દા પર ફિલ્મ બની તે સારી વાત છે. હું આ ફિલ્મ જાતે બજેટમાંથી ફ્રી થયા બાદ જોઈશ. હું કાશ્મીર ગયો છું. મેં તેની પીડા જોઈ છે, હું તેને ફરીથી જોવા માંગુ છું. પરંતુ હવે આ ફિલ્મે 200 કરોડની કમાણી કરી લીધી છે, હવે તેને યુટ્યુબ પર મુકી દો. હું 200-400 રૂપિયાની ટિકિટ ખરીદીને તે ફિલ્મ જોવા જઈશ. પરંતુ હવે તે 200 કરોડ કાશ્મીરી પંડિતોને આપો, જેમના ઘરો, જેમના સફરજનના બગીચા નષ્ટ થઈ ગયા હતા. હું ભાજપ અને તે નિર્માતાને હાથ જોડીને અપીલ કરું છું કે હવે કમાણીનો ધંધો થઈ ગયો છે, તો તેને યુટ્યુબ પર મુકો જેથી બધા જોઈ શકે.
સીસોદિયાએ વધુમાં કહ્યું કે, હું AAP નેતા સૌરભ ભારદ્વાજના પ્રસ્તાવનું સંપૂર્ણ સમર્થન કરું છું. કાશ્મીરી પંડિતોના વિસ્થાપનના મુદ્દે 8 વર્ષથી રાજનીતિ કરનાર તેની સખત નિંદા કરવી જોઈએ. 32 વર્ષથી ચાલી રહેલ તેમનું વિસ્થાપન સમાપ્ત થયું નથી. 32 વર્ષમાં તેમની ત્રીજી પેઢી આજે ઉભી છે, પરંતુ તેઓ તેમની ત્રીજી પેઢીને તે ઘર બતાવવા પણ કાશ્મીર જઈ શકતા નથી જ્યાં તેઓ રહેતા હતા. આજે કાશ્મીરી પંડિતો દિલ્હીના વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાં રહે છે. અરવિંદ કેજરીવાલ પાસેથી જાણો કે તેમના માટે કેવી રીતે કામ કરવામાં આવે છે.