નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે મજૂરોના પલાયનની એક મોટી સમસ્યા સામે આવી રહી છે. મજૂરો માટે લોકડાઉન એક મોટી સમસ્યા બની ગઈ છે અને તેમની રોજી રોટી ખત્મ થઈ ગઈ છે. હવે શ્રમિકો પોતાના ઘર તરફ જવા માટે મજબૂર બન્યા છે.




દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું, દિલ્હી સરકાર ખાવાની અને રહેવા માટેની વ્યવસ્થા કરી રહી છે અને સતત લોકોને અપીલ કરી રહી છે કે તેઓ દિલ્હી છોડીને જવાની જરૂર નથી અને જો આમ કરશે તો કોરોનાનો ખતરો વધી જશે. તેમણે કહ્યું અમે ઘણી બધી સ્કૂલોમાં જમાડવાનું શરૂ કર્યું છે, આજે 600 સ્કૂલોમાં જમાડવામાં આવશે. જેમની પાસે જમવાનું નથી અને બેઘર છે તેઓ સ્કૂલમાં આવીને જમી શકે છે.



ઉલ્લેખનીય છે કે દેશમાં લોકડાઉન થયા બાદ મોટી સંખ્યામાં મજૂરો પોતાની ઘર તરફ જઈ રહ્યા છે. લોકડાઉનના કારણે મજૂરો પોતાના ઘરે જવા માટે પગપાળા નિકળી પડ્યા છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી સહિત દેશભરમાં 902 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે.