દિલ્હી ચૂંટણી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી વિરોધી ગતિવિધમાં ભાગ લેવાના કારણે કૉંગ્રેસના પૂર્વ સાંસદ અને દિગ્ગજ નેતા મહાબલ મિશ્રાને પાર્ટીએ બહારનો રસ્તો દેખાડી દીધો છે. મહાબલ મિશ્રાનો પુત્ર વિનય મિશ્રા આમ આદમી પાર્ટીની ટિકિટ પર દ્વારકાથી ચૂંટણી લડી રહ્યાં છે. મહાબલ મિશ્રા 2019માં કૉંગ્રેસની ટિકિટ પર વેસ્ટ દિલ્હીની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.




મહાબલ મિશ્રા નાસિરપુર વિધાનસભાથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચુક્યા છે અને તેઓ 2009માં પશ્ચિમ દિલ્હીથી સાંસદ બન્યા હતા. જો કે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં મહાબલ મિશ્રાને વેસ્ટ દિલ્હીથી હારનો સામનો કરવો પડ્યો હતો.



આમ આદમી પાર્ટીએ દ્વારકાથી વર્તમાન ધારાસભ્ય આદર્શ શાસ્ત્રીની ટિકિટ કાપીને વિનય મિશ્રાને ઉમેદવાર બનાવ્યા છે. વિનય મિશ્રા પણ પૂર્વ કૉંગ્રેસ નેતા રહી ચુક્યા છે. તેઓ 2013માં કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. જો કે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

વિનય મિશ્રાએ નોમિનેશનની પ્રક્રિયા શરૂ થયાના એક દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા અને તેના 24 કલાક બાદ AAPએ દ્વારકાની સીટ પરથી ઉમેદવાર બનાવ્યા હતા. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે.