નવી દિલ્હીઃ નિર્ભયા કેસના ચારેય દોષિતોની આવતીકાલે થનારી ફાંસી ફરીવાર ટાળી દેવામાં આવી છે. પટિયાલા હાઉસ કોર્ટે આગામી આદેશ સુધી દોષિતોની ફાંસી પર રોક લગાવી દીધી હતી. જેને લઇને નિર્ભયાની માતાએ કહ્યું કે, દોષિતોના વકીલ એપી સિંહે મને આંગળી બતાવીને ચેલેન્જ આપતા કહ્યું છે કે દોષિતોને ક્યારેય પણ ફાંસી આપવામાં નહી આવે.
નિર્ભયાની માતાએ રડતા રડતા કહ્યું કે હું મારી લડાઇ ચાલુ રાખીશ. સરકારે દોષિતોન ફાંસી આપવી જોઇએ. નિર્ભયાની માતાએ કોર્ટ બહાર પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ કે, મને એ વાતની તકલીફ નથી કે જે કોર્ટમાં અનેક વર્ષોથી હાથ જોડીને ઉભી છું તે કોર્ટે ફાંસી પર સ્ટે મુકી દીધો છે. મને એ વાતની તકલીફ છે કે દોષિતોના વકીલ એપી સિંહે મને ચેલેન્જ આપી કહ્યું છે કે આ ફાંસી અનંતકાળ સુધી નહી થાય.


નિર્ભયાની માતાએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, તે જુએ કે દોષિતોના વકીલે કેવી રીતે કહ્યું છે કે આ ફાંસી અનંતકાળ સુધી નહી થાય. સાત લોકો સામે સરકાર અને કોર્ટ મને ઝૂકાવી રહી છે. કેજરીવાલ સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, અમારી નજરમાં ફક્ત અરવિંદ કેજરીવાલ ગુનેગાર છે. તે મહિલાઓની સુરક્ષાને લઇને સત્તામાં આવ્યા હતા. આજે નિર્ભયાને ન્યાય અપાવવા માટે તેમણે રમત રમી છે. જેલ ઓથોરિટી તેમના હાથમાં છે. ચાર કલાક જજ સાથે વાત કરતા રહ્યા અને ત્યારબાદ જજે એક મિનિટમાં આવીને કહ્યું કે, ફાંસી પોસ્ટપોન છે. દિલ્હીની પ્રજા સમજી લે કે મહિલાઓની સુરક્ષા જરૂરી છે કે વિજળી અને પાણી. જો દિલ્હીમાં મહિલાઓ સુરક્ષિત નહી રહે તો આ માટે ફક્ત કેજરીવાલ જ જવાબદાર છે.