સંસદમાં આર્થિક સમીક્ષા રિપોર્ટ રજૂ કરાયો, આગામી નાણાકીય વર્ષમાં GDP દર 6 થી 6.5 ટકા રહેવાનું અનુમાન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Jan 2020 06:53 PM (IST)
આર્થિક સમીક્ષા રિપોર્ટ મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર 5 ટકા રહેવાનું અનુમાન છે.
નવી દિલ્હી: સંસદના બજેટ સત્રનો પ્રારંભ થઈ ગયો છે. 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. આ પહેલા નિર્મલા સીતારમણે આર્થિક સમીક્ષા રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2020-2021માં આર્થિક વૃદ્ધિ દર(GDP) 6 થી 6.5 ટકા રહેવાનું અનુમાન છે. આર્થિક સમીક્ષા રિપોર્ટ મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર 5 ટકા રહેવાનું અનુમાન છે. આર્થિક વિકાસને વેગ આપવા માટે ચાલુ નાણાકીય વર્ષની નાણાકીય ખોટના લક્ષ્યમાં છૂટછાટ આપી શકે છે. આર્થિક સર્વેક્ષણમાં દેશમાં વ્યવસાયને વધુ સરળ બનાવવા માટે સુધારો કરવાની વાત કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નવો બિઝનેસ શરૂ કરવા, પ્રોપર્ટી રજીસ્ટ્રેશન, ટેક્સ ચૂકવવા અને એગ્રીમેન્ટના અમલીકરણને સરળ બનાવવા માટેના ઉપાયોની જરૂર છે. આર્થિક સમીક્ષામાં સરકારી બેન્કોની સંચાલન વ્યવસ્થામાં સુધારો અને વિશ્વાસ કાયમ કરવા માટે તથા વધુ સૂચનાઓ સાર્વજનિક રીતે પ્રકાશિત કરવા પર જોર આપવામાં આવ્યો છે. આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના અભિભાષણમાં કહ્યું હતું કે, અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવા માટે સરકાર અડગ છે. તેના માટે તમામ સ્ટોકહોલ્ડર્સ સાથે વાતચીત કરીને અર્થવ્યવસ્થામાં તમામ લેવલે કામ થઈ રહ્યું છે.