નવી દિલ્હી: કૉંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને રવિવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કૉંગ્રેસે સત્તામાં આવતા બેરોજગારોને ભથ્થુ આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ દિલ્હી કૉંગ્રેસ પ્રમુખ સુભાષ ચોપડાએ કહ્યું પાર્ટી દર મહિને 300 યૂનિટ સુધી મફત વિજળી આપશે.


કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પ્રદૂષણ અને પરિવહન સુવિધાઓમાં સુધાર માટે દર વર્ષે 25 ટકા બજેટ ખર્ચ કરવાની વાત કહેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે યુવા સ્વાભિમાન યોજના મુજબ સ્નાતકને દર મહિને 5 હજાર રૂપિયા અને અનુસ્નાતકને 7,500 રૂપિયા બેરોજગારી ભથ્થુ આપવામાં આવશે.


દિલ્હી કૉંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે દિલ્હીમાં સસ્તા ભાવે ભોજન આપવા માટે 100 ઈન્દિરા કેન્ટિન ખોલવામાં આવશે. સાથે જ દિલ્હીને ઝુપડપટ્ટી મુક્ત બનાવવાની વાત કરી હતી. કૉંગ્રેસ પાર્ટીએ દિલ્હીમાં લાડલી યોજનાને ફરી સંપૂર્ણ રીતે લાગુ કરવા અને સરકારી સ્કૂલ-કોલેજમાં વિદ્યાર્થીનીઓને નર્સરીથી પીએચડી સુધીનો અભ્યાસ મફત કરી આપવાની જાહેરાત કરી છે.

કૉંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને રવિવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો આ દરમિયાન દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપડા સિવાય સીનિયર નેતા આનંદ શર્મા અને અજય માકન પણ હાજર રહ્યા હતા.